ગાંધીધામ, તા. 30 : ગાંધીધામ-આદિપુરને જોડતા અને
સતત ટ્રાફિકથી ધમધમતા ટાગોર રોડનું અધૂરું કામ અને સ્પીડબ્રેકરના અભાવે અકસ્માતોની
હારમાળા સર્જાઇ રહી છે. ખાસ કરીને ચાર રસ્તા ઉપર અકસ્માતો વધ્યા છે, નવીનીકરણ પહેલાં અહીં સ્પીડબ્રેકર હટાવી દેવામાં
આવ્યા છે અને ત્યાર પછી સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. વધુ માનવ જિંદગી હોમાય તે પહેલાં
માર્ગ અને મકાન વિભાગ આ રોડનું કામ પૂરું કરે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી
રહી છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી કપિલ પાંધીએ ટાગોર રોડ ઉપર દરરોજ થતા અકસ્માતોને
લઈને માર્ગ અને મકાન વિભાગ ઉપર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રોડ બનાવતી વખતે એક તરફનો માર્ગ ઉપર અને બીજી તરફનો માર્ગ નીચે જેથી ટુ વ્હીલર્સ
વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ શિક્ષિત
છે તેમ છતાં ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવી રહી છે, જેના કારણે
અકસ્માતો વધી રહ્યા છે, લોકોને ઈજાઓ પહોંચી રહી છે, વાહનોને નુકસાન થઈ રહ્યું છે જેવી અનેક સમસ્યાઓ વચ્ચે માર્ગનું કામ અધૂરું છે અને સ્પીડબ્રેકર પણ હટાવી
દેવામાં આવતાં અકસ્માતો વધ્યા છે. ખાસ કરીને ચાર રસ્તા ઉપર પહેલા સ્પીડ બ્રેકર હતા
એટલે અકસ્માતો ટળતા હતા, પરંતુ સ્પીડબ્રેકર દૂર કરી દેવામાં આવતા
દરરોજ અકસ્માતો સર્જાઇ રહ્યા છે. રોડ પસાર કરવામાં વાહનચાલકોને સમસ્યાઓનો સામનો કરવો
પડે છે. લાંબા સમયથી ટાગોર રોડનું કામ અધૂરું છે, વાહનચાલકો મુશ્કેલીઓનો
સામનો કરી રહ્યાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ તંત્ર
કોઈ પગલાં ભરતું નથી અને જનપ્રતિનિધિઓ પણ આ બાબતે મૌન સેવીને બેઠા છે, તેનું પરિણામ વાહનચાલકો ભોગવી રહ્યા છે. અગાઉ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાને
રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. માર્ગ અને મકાન વિભાગ ગંભીર
જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવો વર્તારો દેખાઈ રહ્યો છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ
આ બાબતે પગલાં ભરીને રોડનું અધૂરું કામ પૂર્ણ કરાવીને સ્પીડબ્રેકર બનાવે તેવી માંગ
કરવામાં આવી છે.