• શુક્રવાર, 22 મે, 2026

વરાડિયામાં પરંપરા મુજબ કોમી એકતા સાથે હાજીપીરનો મેળો શ્રદ્ધાભેર યોજાયો

નલિયા, તા. 21 : અબડાસાના વરાડિયા ગામમાં હાજીપીર બાબાનો બે દિવસીય મેળો પરંપરા મુજબ, આ વર્ષે પણ શ્રદ્ધાપૂર્વક ઊજવવામાં આવ્યો. એવી લોકવાયકા છે કે દરગાહની સ્થાપના બાદ જ વરાડિયા ગામ વસ્યું છે. મેળાના પ્રથમ દિવસે બપોરે ચાદરપોશી વિધિ સંપન્ન થઈ હતી. કચ્છી રાસ, ડોકું રાસ, લોકગીત અને રાસ-ગરબાની રમઝટ જામી હતી. કલાકાર પાયલ માતંગ અને જુમાભાઈએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. રાત્રે લોકડાયરો, ભજન સંતવાણી, કાફી-કવ્વાલીમાં  કચ્છી મોરલો નિલેશ ગઢવી, કચ્છી કોહિનૂર અલ્વીરા મીર અને હાસ્ય કલાકાર રાજેશ ગઢવીએ ઢોલકના બાદશાહ ફકીર ઉસ્તાદ એન્ડ પાર્ટી સાથે મળીને શ્રોતાઓને મોડી રાત સુધી ઝૂમાવ્યા હતા.  આ પ્રસંગે પીર ચાચાબાવા (જખૌ), પ્રફુલભાઈ નાગડા (ભાંડુપ), સુનિલભાઈ સોધમ (ગાંધીધામ), ઈસ્માઈલભાઈ (ગાંધીધામ), ઉત્તમભાઈ મોમાયા (સાયરા), નલિનભાઈ ડાઘા (વરાડિયા), ઈકબાલભાઈ મંધરા (કોઠારા), અમિતભાઈ પટેલ (વરાડિયા), વિકેશભાઈ ધરમશી (કોઠારા) અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ-મુસ્લિમોએ એકબીજા સાથે ભળીને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.  બપોરથી બખમલાખડાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામેગામથી આવેલા મલ્લોએ ભાગ લીધો હતો અને પોતાની કુશળતા પ્રદર્શિત કરી હતી. વરાડિયા ગામના આમંત્રણને માન આપીને અનેક મલ્લો અને પ્રેક્ષકો આ મલાખડો માણવા અને ખેલવા માટે ઉપસ્થિત રહ્યા હતા. મેળા સમિતિના પ્રમુખ સાલેમામદભાઈ મંધરાએ મેળાની તમામ વ્યવસ્થા સુપેરે સંભાળી હતી. સમગ્ર ગ્રામજનો અને આજુબાજુના ગામોના દરેક સમાજનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો હતો. ભાવેશ લકી સેવા ટ્રસ્ટ ડુમરાનો પણ આ કાર્યક્રમમાં સવિશેષ સહયોગ રહ્યો હતો. સંતવાણીના દાતા તરીકે હાજી હુસેન સુમાર કુંભાર અને મામદ સુમાર કુંભાર સાભરાઈનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. પાર્કિંગની વ્યવસ્થા માટે દરબાર ગઢમાં જાડેજા સમાજનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. 

Panchang

dd