રાપર, તા. 30 : ઉનાળામાં રાપરમાં વીજ ધાંધિયા
જાણે કે સામાન્ય થઈ ગયા હોય તેમ આગોતરી જાણ કર્યા વગર બે-ત્રણ કલાક વીજ પુરવઠો બંધ
થઈ જાય છે. આ પરિસ્થિતિના કારણે વૃદ્ધો, બાળકોની હાલત ભારે કફોડી બને છે. રહેણાક વિસ્તાર અયોધ્યાપુરીમાં ચકરા પાસે
આવેલાં ટ્રાન્સફોર્મર અને જર્જરિત વાયરિંગ બળી જવાના બનાવો છાશવારે બનતા હોવા છતાં
તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવાને બદલે લીપાપોતી કરી કામચલાઉ વીજ પુરવઠો ચાલુ કરી
દેવામાં આવે છે અને બીજા દિવસે ફરી પાછી એ સમસ્યા યથાવત રહે છે. ઓવરલોડને લીધે આ સમસ્યા
વારંવાર સર્જાતી હોય, તો વધારાનાં ટ્રાન્સફોર્મર લગાવીને કે હેવી
લોડ વહન કરી શકે તેવા લગાડીને પણ આ સમસ્યાથી છૂટકારો આપવો જોઈએ. લાઈટ પણ મોડી રાત્રે
રીપેરિંગ માટે જ બંધ કરવામાં આવતાં બાળકો, વુદ્ધો અને બીમાર લોકોને
મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો મજાકમાં આ અવારનવાર ઉડી જતાં ટ્રાન્સફોર્મરને કોઈની
નજર લાગી જતી હોવાનું જણાવી સારા મુહૂર્તમાં નજર ઉતારી વિધિપૂર્વક ટ્રાન્સફોર્મર લગાવવાનું
કહી રહ્યા છે, જે હોય તે પણ પીજીવીસીએલ માર્ચ મહિનામાં જેમ વસૂલાત
ઝુંબેશ ચલાવે છે, તેમ ઉનાળામાં લોકોને અવિરત વીજ પુરવઠો મળી રહે
તેવી ઝુંબેશ ચલાવે તેવું વીજ ધાંધિયાથી અકળાયેલા લોકો ઇચ્છી રહ્યા છે.