• શુક્રવાર, 01 મે, 2026

ભુજના ગણેશનગર માર્ગે લાંબા સમયથી ગટરલાઇનની ચાલતી કામગીરીથી લોકો ત્રસ્ત

ભુજ, તા. 30 : શહેરના કોલેજ રોડથી ગણેશનગર થઇ ત્રિમંદિર માર્ગે આગળ વધતા ગટરલાઇનનું કામ લાંબા સમયથી બંધ પડયું હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ ઊઠી છે. ભુજમાં ગટર સમસ્યાની ઊઠેલી વ્યાપક ફરિયાદોને પગલે નગરપાલિકાની દરખાસ્તને પગલે સરકારે મસમોટી ગ્રાંટ ફાળવતાં કોલેજ રોડથી ત્રિમંદિર માર્ગે મોટી અને મુખ્ય ગટરલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ કામ શરૂઆતથી જ ધીમી ગતિએ થતું હોવા સાથે છેલ્લા લાંબા સમયથી બંધ થઇ ગયું હોવાથી આ માર્ગે પસાર થનારા રાહદારીઓ, વાહનચાલકોને મોટો ફેરો ખાવો પડતો હોવાથી લોકોએ ફરિયાદ કરી હતી. આ માર્ગે ખોદાયેલા મોટા ખાડા અને કામગીરીને પગલે ગણેશનગર પાસેના માર્ગથી વાહનો પસાર થઇ શકે તેવી હાલત નથી રહી. માટી-પથ્થર સહિતના મલબા અને મોટા ખાડાનું જોખમ તો ખરું જ. હાલમાં આ માર્ગ સાવ બંધ હાલતમાં હોય તેવું જ લાગી રહ્યું છે.શહેરની સમસ્યા હલ કરવાના ઉદ્દેશથી ચાલતી આ કામગીરી આવકારદાયક છે પરંતુ તેમાં ઝડપ આવે અને લોકોને ઓછામાં ઓછી હાલાકીનો સામનો કરવો પડે તેવી રીતે કામ થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. 

Panchang

dd