• શુક્રવાર, 01 મે, 2026

ગાંધીધામમાં રેશનિંગ વ્યવસ્થા ખાડે : સંચાલકોની મનમાની-સર્વર ઠપથી લોકો પરેશાન

ગાંધીધામ, તા. 30 : અહીં આવેલી વ્યાજબી ભાવની દુકાનોમાં વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઇ ગઇ હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. એકતરફ સર્વરની સમસ્યા અને બીજીતરફ અમુક સંચાલકો દ્વારા દુકાનો સમયસર ન ખોલવાને કારણે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને રાશન મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક કાર્ડધારકોના જણાવ્યા અનુસાર અનેક દુકાનદારો આખા મહિનામાં માંડ દશેક દિવસ જ દુકાનો ખોલે છે. તેમાં પણ વારંવાર સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી લોકોને પરત મોકલી દેવામાં આવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે જો કોઇ રાશનકાર્ડ ધારક મહિના દરમ્યાન રાશન ન લઇ શકે તો બીજા મહિને તેને અગાઉના મહિનાનો જથ્થો આપવામાં આવતો નથી, જેના કારણે ગરીબ પરિવારોના મોઢામાંતી કોળિયો છીનવાઇ રહ્યો છે. - વધારાના ચાર્જથી સંચાલકોની ચાંદી અને પ્રજાને ધક્કા : ગાંધીધામમાં અગાઉ પણ વ્યાજબી ભાવની દુકાનો કાર્યરત હતી પરંતુ જુદા જુદા કારણોથી 13 જેટલા સંચાલકોએ રાજીનામાં ધરી દેતાં 41 જેટલી દુકાનો બચી છે જેના કારણે હાલના અમુક કાર્યરત સંચાલકોને 2થી 3 વધારાની દુકાનોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી અમુક સંચાલકો પોતાની મરજી મુજબ દુકાનો ખોલતા હોવાના આક્ષેપ કરાયા હતા. વધારનો ચાર્જ હોવાથી દુકાનો પર હાજર રહેતા ન હોવાના આક્ષેપ લોકોએ કર્યા હતા. ક્યાંક વધારે કાર્યભારનું બહાનું ધરીને જનતા સાથે ઉદ્ધત વર્તન પણ કરવામાં આવે છે. આજે પણ આદિપુરમાં આવેલી એક દુકાન પર સર્વર ઠપનું કહેવાતાં માથું ફાડી નાખે તેવા તાપમાં રાશન લેવા ઊભેલા લોકોમાં રોષની લાગણી પ્રસરી હતી. આ દુકાન અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ અંગે નાયબ મામલતદાર પુરવઠા શાખાના સાદિકભાઇ ધાસુરાનો સંપર્ક કરતાં લોકોનો આ અંગે ફોન આવ્યો હોવાનું કહ્યું હતું અને દુકાનદારોને દરરોજ સવારે 10થી 6 સુધી દુકાનો ખુલ્લી રાખવા સુચના આપી દીધી છે. અમુક દુકાનદારોને વધારાનો ચાર્જ છે તેવી દુકાનો મર્જ કરી લોકોને કોઇ એક દુકાને બોલાવાય છે. લોકોને અગવડતા ન પડે તે માટે તકેદારી રાખવા તેમણે જણાવ્યું હતું. બીજીતરફ વ્યાજબી ભાવની દુકાનો માટે નીકળતા માલ પૈકીનો અમુક હિસ્સો ખાનગી ગોદામોમાં પહોંચતો હોવાના ગંભીર આક્ષેપો પણ સૂત્રોએ કર્યા હતા. ગરીબ લોકોને નિયમિત રાશન મળી રહે તેવી માંગ લોકોએ કરી હતી. 

Panchang

dd