• શુક્રવાર, 01 મે, 2026

ગુજરાતનું એસ.ટી. નિગમ ખાનગીકરણના પંથે

ભુજ, તા. 30 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ રાજ્ય સરકારનું મોટામાં મોટું પરિવહન ક્ષેત્રનું જાહેર સેવા સાહસ છે, નિગમ દ્વારા ગુજરાતના મુસાફરોને સસ્તી, સારી અને સલામત પરિવહન સેવા `નહીં નફો, નહીં નુકસાન'નાં ધોરણે પૂરી પાડવામાં આવે છે, પરંતુ છેલ્લા થોડાક સમયથી રાજ્યની ધોરીનસ સમાન સેવા વધારવાના બહાના તળે ધીમેધીમે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. એસ.ટી.ના વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નિગમ દ્વારા જે પ્રકારે ધીરેધીરે ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે, તેના કારણે ભવિષ્યમાં નિગમની આર્થિક સ્થિતિ ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે અને તેનાથી રાજ્યની પ્રજાની સસ્તી, સારી અને સલામત પરિવહન સેવા ખોરવાશે અને નિગમમાં ફરજ બજાવતા હજારો કર્મચારીની રોજીરોટીને પણ નુકસાન થવાની સંભાવના છે. આ બાબતે એસ.ટી.ના રાજ્ય લેવલના ત્રણેય સંગઠનની બનેલી સંકલન સમિતિએ બાંયો ચડાવી નિગમ દ્વારા ખાનગીકરણની હિલચાલને અટકાવવા માંગ કરી છે અને જો કોઈ નિર્ણય ન આવે, તો સંગઠનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનીયે ચીમકી અપાઈ હોવાનું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ખાનગીકરણની વાત કરીએ, તો નિગમ દ્વારા હાલ 250 જેટલી ખાનગી પેઢીની બસો દોડાવાય છે અને કરોડોનું ચૂકવણું કરવામાં આવે છે, તે વચ્ચે નિગમ દ્વારા ટૂંક સમયમાં એસી, મિની, એસી લકઝરી અને એસી સ્લીપર સહિતની 1200 જેટલી બસ ભાડે લેવાનું વિચારી રહ્યું છે, જેની ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ છે. હાલ ચાલી રહેલી ખાનગી બસોનું નિગમ દ્વારા મહિને 13 કરોડ ચૂકવાય છે, એટલે કે, અઢી વર્ષમાં ચૂકવાતી આ રકમમાંથી નિગમ 250 નવી બસ ખરીદી 10થી 15 વર્ષ સુધી ચલાવી શકે, પરંતુ નિગમ આ નિર્ણય લેવાના બદલે ખાનગી કંપનીઓને કરોડો ભાડા પેટે ચૂકવશે તેથી નિગમની આર્થિક સ્થિતિ ખરાબ થવાની સંભાવના  સંગઠનો દ્વારા વ્યક્ત થઈ રહી છે. નિગમ દ્વારા વિવિધ ક્ષેત્રે ખાનગીકરણ થકી થતાં નુકસાન મુદ્દે મધ્યસ્થ કચેરીના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને પાઠવેલા પત્રમાં ધ્યાન દોરતાં સંગઠનોએ  જણાવ્યું છે કે, હાલ બસ સ્ટેશનોની સફાઈ કામ માટે વાર્ષિક 25થી 30 કરોડ ચૂકવાય છે, ખાનગી કંપનીની દોડતી વોલ્વો અને એ.સી. પ્રીમિયમ બસોને તાત્કાલિક ધોરણે બંધ કરી નિગમની માલિકીની વોલ્વો અને એ.સી. પ્રીમિયમ બસો દોડાવવી, આઉટસોર્સથી થતી મિકેનિકલની કામગીરી બંધ કરવી, ખાનગી પાર્ટીને અપાયેલી પાર્સલ સેવા નિગમ દ્વારા કરવી, વિભાગીય વર્કશોપ અને ડેપોમાં મેઈન્ટેનન્સની કામગીરી ખાનગી પાર્ટી પાસેથી બંધ કરાવવી, નિગમની બસોમાં લગાવાયેલી જી.પી.એસ. સિસ્ટમનાં ભાડા પેટે વાર્ષિક કરોડો ચૂકવાય છે, આ સિસ્ટમ બસોની નિયમિતતા માટે જરૂરી છે, પરંતુ ટ્રાફિક અથવા તો વાજબી કારણસર વાહન મોડા પડે, તો ડ્રાઈવર-કંડક્ટરો સામે એકતરફી કાર્યવાહી કરી આર્થિક દંડ અને માનસિક ત્રાસ અપાય છે તે બંધ થવો જોઈએ. વળી, ખાનગી બસો આવતાં તેના ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી પણ કરાશે, જેથી નિગમના વર્તમાન કર્મચારીઓને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. હવે વાત કચ્છની, જિલ્લામાં હાલ 170 કંડક્ટરની ઘટ છે, અને 30થી 40 કંડક્ટરને અન્ય નોકરી મળી જતાં રાજીનામું આપી  એન.ઓ.સી. મળવાની તાકમાં છે, જેથી એસ.ટી.ના અનેક રૂટને અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે, સ્થાનિક અગ્રણીઓ અંગત રસ લઈ શિક્ષકોની જેમ ડ્રાઈવર અને કંડક્ટરની `જ્યાં નિમણૂક, ત્યાં નિવૃત્તિ' જેવી સ્થાનિક ભરતી કરાવે અને જેઓ નોકરી બદલવા માગે તેમને સરકારે ભરતીઓ પાછળ કરેલો ખર્ચ વેડફાય નહીં તે માટે આવા ઉમેદવારો પાસેથી પાંચ લાખ જેટલો દંડ વસૂલે, જેથી અન્ય બેરોજગારોને પણ તક મળે તેવો સૂર જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. 

Panchang

dd