ગાંધીધામ, તા. 23 : ભારત સરકારનાં કૃષિ મંત્રાલય
હેઠળના ડાયરેક્ટરેટ ઓફ પ્લાન્ટ ક્વોરેન્ટાઇન વિભાગ દ્વારા તાજેતરમાં પીક્યુએમએસ સ્વિફ્ટ
2.0 સિસ્ટમ અમલમાં મૂકવામાં આવેલી
છે. આ સિસ્ટમમાં પ્લાન્ટ ક્વોરેન્ટાઇન (પીકયુ) નિરીક્ષણ ફીની ગણતરીમાં ગંભીર વિસંગતતાઓ
ઊભી થવાથી ટિમ્બર ઉદ્યોગને અસર પડતી હોવાની
ફરિયાદ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરાઈ હતી. કંડલા ટિમ્બર એસોસીએશનની
રજૂઆતના અનુસંધાને કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તેજા કાનગડે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી મુક્તાનંદ
અગ્રવાલને પીક્યુએમએસ સ્વિફ્ટ 2.0 સિસ્ટમને
તાત્કાલિક સ્થગિત કરી પુન: સમીક્ષા કરવા વિસ્તૃત માહિતી સાથે ભારપૂર્વક રજૂઆત કરી હતી.
હાલની સિસ્ટમ હેઠળ નિરીક્ષણ ફી ફક્ત વજન (કેજીએસ)ના આધારે ગણવામાં આવી રહી છે. કેટીએ
દ્વારા સબમિટ કરવામાં આવેલી વિગતો મુજબ નવી સિસ્ટમ લાગુ ફી બમણા કરતાં વધુ ફી પ્રતાબિંબિત
કરી રહી છે, જેના કારણે આયાતકારો અને
કસ્ટમ બ્રોકરો વચ્ચે અનુચિત નાણાકીય બોજ અને કાર્યકારી મૂંઝવણ ઊભી થઈ છે. સામાન્ય રીતે
પ્લાન્ટ ક્વોરેન્ટાઇન (ભારતમાં આયાતનું નિયમન) ઓર્ડર, 2003ની જોગવાઈઓ અનુસાર પીક્યુ નિરીક્ષણ
ફીની ગણતરી નિશ્ચિત કરવા માટે પરંપરાગત રીતે ક્યુબિક મીટર અથવા વજન કિલોગ્રામને એકમ
માધ્યમ તરીકે ગણી તેમાં જે વધારે હોય, તેના આધારે ફી ગણવામાં આવતી હતી. વળી, એસોસીએશનની રજૂઆત
પ્રમાણે લાકડાંની આયાત સંપૂર્ણપણે ક્યુબિક મીટર આધારે કરવામાં આવે છે તેથી આયાતી લાકડાંના
પીક્યુ નિરીક્ષણ માટેની ફી કયુબીએમ પર વસૂલવી વધુ યોગ્ય અને વેપાર પ્રથાઓ સાથે સુસંગત
રહેશે. માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમ સંબંધિત વિસંગતતાઓને કારણે કસ્ટમ્સ બ્રોકર્સને
કાર્ગોની કસ્ટમ્સ ક્લિયારિંગ પ્રક્રિયામાં અડચણ ઊભી થાય છે. આના કારણે કન્ટેનરોને ભારે
ડિટેન્શન અને ગ્રાઉન્ડ રેન્ટ ચાર્જનો સામનો કરવો પડી રહ્યો છે, જેનો બોજ વેપાર ઉપર પડે છે. વધુમાં, પ્રવર્તમાન વૈશ્વિક
પરિસ્થિતિ અને ચાલુ યુદ્ધ જેવી પરિસ્થિતિઓને લઈને એકઝીમને નોંધપાત્ર અસર પડી છે. ચેમ્બર ઉપપ્રમુખ અને ટિમ્બર ઉદ્યોગના અગ્રણી દીપક પારેખે ઉમેર્યું
હતું કે, પ્રકરણ 4407 હેઠળ આવતાં લાકડાંના માલ માટે પણ કેટલાક કિસ્સાઓમાં પીક્યુ સિસ્ટમમાં
બિલ્સ ઓફ એન્ટ્રી કેપ્ચર કરવામાં આવતી નથી. પરિણામે પીક્યુ પ્રોસેસિંગ વિના કિલયરન્સ
કરવાની ફરજ પડી રહી છે. પીક્યુએસએમ સ્વિફ્ટ 2.0 સિસ્ટમને તાત્કાલિક સ્થગિત કરી સચોટ ગણતરી સુનિશ્ચિત કરવા માટે
ફી ગણતરી પદ્ધતિમાં તાત્કાલિક સુધારો કરવા
સાથે આયતકારો દ્વારા પહેલાથી જ કરવામાં આવેલી વધારાની ચુકવણીઓનુ રિફંડની યોગ્ય
વ્યવસ્થા કરવા તેમણે માંગ કરી હતી. - ટિમ્બર ઉપર લાગુ કરમાં છ મહિના
માટે રાહત આપો : કચ્છના ટિમ્બર ઉદ્યોગ પણ વૈશ્વિક સંકટની
છાયામાં આવ્યું છે. ખાડી દેશોમાં અસ્થિતરતાભરી સ્થિતિના કારણે ફ્રેઈટ, વીમો અને ઈંધણ ખર્ચ વિગેરનો ભાવ વધારો નોંધાયો
છે, જેના કારણે ટિમ્બર સાથે જોડાયેલા અનેક ઉદ્યોગકારોને વિવિધ
પ્રકારની હાલાકી વેઠવી પડી રહી છે. ચેમ્બર દ્વારા
ટિમ્બર ઉદ્યોગની હાલાકી મુદ્દે કેન્દ્રીય નાણાંમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.
ચેમ્બર ઉપપ્રમુખ દીપકભાઈ પારેખ અને ટિમ્બરના પ્રમુખ નવનીતભાઈ ગજ્જરે જણાવ્યું હતું
કે, કચ્છમાં એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઝોન છે. અહીં હજારો પરિવાર
આ ઉદ્યોગ સાથે સીધા અને અપરોક્ષ રીતે જોડાયેલા છે. વર્તમાન સમયમાં ખર્ચમાં વધારો અને માંગમાં ઘટાડો
બંને એક સાથે આવી રહ્યા છે. સરકાર તરફથી મળનારી રાહત સમગ્ર ઉદ્યોગ માટે જીવનદાયી સાબિત થશે. ટિમ્બર ઉપર લાગુ કર વસૂલાતને છ મહિનાના ગાળામાં તાત્કાલિક શૂન્ય કરવામાં સહિતના
મુદ્દે રાહત આપવા માગણી કરાઈ હતી.