બેંગલોર, તા. 24 : વિરાટ કોહલી (81) અને દેવદત્ત પડીકલ (55)ની અર્ધસદીઓની મદદથી ગુજરાત
ટાઈટન્સને પાંચ વિકેટે હરાવી, રોયલ
ચેલેન્જર્સ બેંગલોરે પાંચમી વાર વિજય મેળવ્યો હતો. બેંગલોર 206નું લક્ષ્ય સાત દડા બાકી હતા
ત્યારે જ આંબી લીધું હતું. સાઈ સુદર્શનની સદી એળે ગઈ હતી. બેંગલોરે 26 રને જેકોબ બેથેલ (14)ના રૂપમાં પહેલી વિકેટ ખોયા
પછી જામી ગયેલી, વિરાટ અને દેવદત્તની જોડીએ
સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. કોહલીએ કમાલની બેટિંગ કરતા 30 દડામાં 66મી આઈપીએલ અર્ધસદી પૂરી કરી હતી. વિરાટે
44 દડામાં આઠ ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 81 રન ફટકારી દીધા હતા. સામો છેડો
સમજણપૂર્વક સાચવતાં 20 દડામાં અર્ધસદી
કરનાર દેવદતે 27 દડામાં બે ચોગ્ગા, છ છગ્ગા સાથે 55 રન કર્યા હતા. વિરાટ કોહલી
આઈપીએલમાં 800 ચોગ્ગા મારનાર પ્રથમ અને 300 છગ્ગા મારનાર ત્રીજો બેટધર
બન્યો હતો. અગાઉ ડાબોડી પ્રારંભિક બેટધર સાઇ સુદર્શનની આઇપીએલ કેરિયરની ત્રીજી સદીની
મદદથી ગુજરાત ટાઇટન્સે 3 વિકેટે 20પ રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. સાઇ
સુદર્શને પ8 દડામાં 11 ચોગ્ગા અને પ છગ્ગા સાથે આક્રમક 100 રનની ઈનિંગ રમી હતી. તેના અને
ટાઇટન્સ કેપ્ટન શુભમન ગિલ વચ્ચે પહેલી વિકેટમાં 76 દડામાં 128 રનની ઝડપી
શરૂઆત થઇ હતી. જો કે પાવર પ્લેમાં આ જોડી ધૂંઆધાર બેટિંગ કરી શકી ન હતી અને 6 ઓવરમાં પ7 રન બનાવ્યા હતા. ગિલ 24 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગા સાથે 32 રન કરી આઉટ થયો હતો. જોસ બટલરે 16 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગા સાથે ઝડપી 2પ રનનું યોગદાન આપ્યું હતું. ડેથ ઓવર્સમાં વોશિંગ્ટન સુંદર 12 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગા સાથે 19 અને સીઝનની પહેલી મેચ રમી રહેલ જેસન હોલ્ડર 10 દડામાં 1 ચોગ્ગા-2 છગ્ગા સાથે 23 રને નોટઆઉટ રહ્યા હતા. છેલ્લી ઓવરમાં 18 રનના ઉમેરાથી ટાઇટન્સનો સ્કોર
20પ રને પહોંચ્યો હતો. આરસીબી તરફથી ભુવનેશ્વર, હેઝલવૂડ અને સુયેશને 1-1 વિકેટ મળી હતી.