નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે
આજે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (સર) દરમ્યાન જેમના નામ હટાવવામાં
આવ્યાં હતાં તેમની અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. સરપ્રદ બાબત એ
પણ છે કે જેમના નામ હટાવવામાં આવ્યાં છે તેમાં ચૂંટણીફરજ પર તૈનાત 65 ચૂંટણીઅધિકારીનો પણ સમાવેશ
થાય છે. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વિપુલ પંચોલીની બેન્ચ સમક્ષ અરજીકર્તાઓના વકીલ
એમઆર શમશાદે જણાવ્યું હતું કે આ 65 અરજદાર ચૂંટણીની ફરજ પર છે. તેમના ફરજ આદેશમાં તેમના મતદાતા
ઓળખ કાર્ડ (એપિક) નંબર સ્પષ્ટ રીતે નોંધાયેલા છે. પરંતુ હવે આ નંબર સૂચિમાંથી હટાવી
દેવામાં આવ્યા છે. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે જે લોકો ચૂંટણી સંપન્ન કરાવી રહ્યા છે
તેઓ પોતે જ મત આપી શકે તેમ નથી. બેન્ચે અરજીકર્તાઓને આ મામલા પર સીધી રીતે રાહત આપવાનો
ઈન્કાર કર્યો હતો. અદાલતે તેમને એ અપીલીય ન્યાયાધિકરણો તરફ જવાનો નિર્દેશ આપ્યો હતો
જેને સર્વોચ્ચ અદાલતના જ આદેશ પર તેમને આ પ્રકારની ફરિયાદોને સાંભળવા માટે સ્થાપિત
કરવામાં આવ્યાં છે. ન્યાયમૂર્તિ બાગચીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે જે લોકોની અપીલો
હજુ પડતર છે તેઓ સંભવત: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન કરી
શકશે નહીં. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મતદાતા પોતાની અપીલની પ્રકિયા જારી રાખી
શકે છે.