• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મુંબઈને 103 રને કારમી હાર આપતું ચેન્નાઈ

મુંબઈ, તા. 23 : પહેલાં સંજુ સેમસનની શાનદાર સદી (54 દડામાં 101 રન અણનમ) અને પછી અકિલ હુસેન (17 રનમાં ચાર વિ.)ના નેતૃત્વ હેઠળ બોલરોના દમદાર દેખાવથી ચેન્નાઈ સુપર કિંગ્સે તેના પરંપરાગત હરીફ મુંબઈ ઈન્ડિયન્સને 103 રને કારમી હાર આપી હતી. 208નાં લક્ષ્ય સામે નિસ્તેજ એમઆઈ માત્ર 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલમાં આ સીએસકેની સૌથી મોટી જીત તો મુંબઈની સૌથી મોટી હાર છે. મુંબઈ 11 રનમાં ડિકોક (7), દાનિશ માલેવાર (0) અને નમન ધીર (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમારે 36 અને તિલકે 37 રન કર્યા હતા. પણ તેમના પ્રયત્નો અપૂરતા રહ્યા હતા. હાર્દિક 1 રને આઉટ થયો હતો. નૂર અહેમદે 24 રનમાં બે વિ. ઝડપી હતી. અગાઉ વન મેન આર્મી સંજુ સેમસનની વિદ્યુતવેગી અણનમ સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સના 20 ઓવરમાં 6 વિકેટે 207 રન થયા હતા. સીએસકેની ઇનિંગ્સના એન્કરમેન સંજુ સેમસને સિઝનની બીજી અને આઇપીએલ કેરિયરની પાંચમી સદી ફટકારી હતી. તે પ4 દડામાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાથી 101 રને નોટઆઉટ રહ્યો હતો. દાવના આખરી દડે ચોગ્ગો ફટકારી તેણે સદી સમાપ્ત કરી હતી. આજના અલ કલાસિકો મુકાબલામાં બન્ને ટીમના સુપર સ્ટાર મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા અનફિટ હોવાથી હિસ્સો બન્યા ન હતા. ધોની-રોહિત અનફિટ હોવાથી ઇલેવનમાં સામેલ થયા ન હતા. એમઆઇ વિરુદ્ધ સીએસકેની શરૂઆત બહુ સારી રહી ન હતી. કપ્તાન ઋતુરાજ ગાયકવાડ 14 દડામાં 22 રને આઉટ થયો હતો અને નિષ્ફળતા ચાલુ રહી હતી. સરફરાઝ સ્થિર થયો ન હતો અને 14 રને સેંટનરના બોલમાં બોલ્ડ થયો હતો. શિવમ દુબે (પ)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. બ્રાવિસ પણ 21 રન જ કરી શકયો હતો. કાર્તિક શર્માએ 18 અને ઓવરટને 1પ રનનું યોગદાન આપ્યું હતું. એક છેડે સમયાંતરે પડતી વિકેટ વચ્ચે સેમસન અડગ રહ્યો હતો અને સદી કરી સીએસકેનો સ્કોર 207 રને પહોંચાડયો હતો. મુંબઇ તરફથી ગજનફર અને અશ્વિની કુમારે 2-2 વિકેટ લીધી હતી. બુમરાહ, સેંટનરને 1-1 વિકેટ મળી હતી. 

Panchang

dd