• શનિવાર, 25 એપ્રિલ, 2026

પાલારા સીમાડો દેશના નકશામાં અંકિત

વસંત અજાણી દ્વારા : પાલારા (તા. ભુજ), તા. 24 : રાજાશાહીના વખતમાં ભુજના ખાવડા માર્ગ પર પાલારા નામના વિસ્તારની મોટાભાગની ખેતીની જમીન જેનો જે-તે વખતના રાજા દ્વારા ઇનામરૂપે રાજગોર જ્ઞાતિના બાવા-નાકર નુખના રાજા નજીક રહેતાં પરિવારોને ભેટ અપાયા બાદ તે પરિવારો વરસાદ આધારિત ખેતી સાથે જોડાયેલા હતા. આ દરમિયાન દુકાળ જેવાં પરિબળોનાં કારણે તેમજ દેશ આઝાદ થયા પછી ઇન્દિરા ગાંધીના શાસન દરમ્યાન `ખેડે એની જમીન' અને `રહે એનું મકાન' આવા કાયદાથી અને અન્ય જમીન વેચસાટ થયા પછી એ મોટાભાગની જમીન આહીર ખેડૂતો પાસે રહી ગયા પછી એ લોકોની જમીન આજીવિકાનું સાધન બની છે. સન 1990માં અહીંની જમીન ઉપર જમીન બાંધકામ સાથે સંકળાયેલા લોકોની નજર પડયા પછી વેચસાટના સોદાઓ થયા, પરંતુ ભાવતાલમાં તેજી નહોતી આવી. 2001માં આવેલા ધરતીકંપ પછી કચ્છમાં આવેલા ઉદ્યોગોનાં કારણે જમીનના ભાવ ઊંચકાયા છે. ભુજ આજુબાજુની જમીન ઉપર રહેણાક મકાનો બની રહ્યાં છે. ભૂકંપમાં ખાસ જેલનું માળખું ધ્વસ્ત થયા પછી તે જેલનું સ્થળાંતર અને નવું માળખું 50થી વધુ એકરમાં પાલારા સીમના મુખ્ય માર્ગ ઉપર નિર્માણ પામ્યું. આ દરમ્યાન પાલારા સીમમાં ધાર્મિક સ્થાનકોના વિકાસ વચ્ચે માનવજ્યોત સંસ્થાએ પાલારામાં માનસિક દિવ્યાંગ અને વડીલોના આશ્રયસ્થાન રૂપે રામદેવ સેવાશ્રમ નામનું નૂતન સંકુલ તથા સીમમાં મારૂ મારવાડા વણકર સમાજ દ્વારા સમાજવાડી, વિદ્યાસંકુલનું નિર્માણ કરાયું છે. પાલારા સીમમાં ખેતી-જમીન-જળાશયો અને સાથે સરકારી જમીન આવેલી હોવાથી ત્રણ-ચાર આર્થિક નબળા પરિવારો તથા માલધારીઓ પોતાના પશુધન સાથે વસવાટ કરતા થયા છે. ધાર્મિક, સામાજિક, શિક્ષણ સહિતના સંકુલ પછી હવે આ વિસ્તારમાં વિકાસના મોટા દરવાજા સ્વરૂપે પ્રથમ પ્લેનેટોરિયમ અને અદ્યતન ઓડિટોરિયમનું નિર્માણ થવાનું છે. ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી અને કચ્છમિત્ર જિલ્લા લોવિજ્ઞાન કેન્દ્ર-ભુજ દ્વારા નિર્માણ સંકુલમાં કચ્છના રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવી અને ચંદાબેન શ્રોફ જેવી ખમતીધર મહિલાનાં નામ પાલારા ભૂમિ ઉપર અંકિત થવાનાં હોવાથી પાલારા હવે વિશ્વના નકશામાં સ્થાપિત થયું છે. પાલારા સીમની બાજુમાં આવેલા રુદ્રમાતા ડેમને આવનારા દિવસોમાં નર્મદાનાં પાણી માટે કામ પણ ચાલી રહ્યું છે, ત્યારે અહીંનો વિસ્તાર અનેક પ્રકલ્પોથી શોભશે એમાં બેમત નથી. હજુ પણ સરકારી જમીન પર સ્પોર્ટસ સંકુલ સરકાર કે ખાનગી કંપની દ્વારા નિર્માણ પામે અને ભુજ-ખાવડા માર્ગ ફોરલેનમાં પરિવર્તન થાય તો આ વિસ્તારની રોનક અનેકગણી વધી જશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવનારા દિવસોમાં શેખપીરથી ખાવડા માર્ગનું જોડાણ પાલારા વચ્ચેથી થવાનું છે. ભુજ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સમાવેશ થશે ત્યારે પાલારા પણ તેનો હિસ્સો બનવાથી માંગ વધશે. હાલ અહીં વસવાટ કરતા લોકો ઝીંકડી પંચાયત સાથે સંકળાયેલા છે અને ત્યાં મતાધિકારનો હક્ક ધરાવે છે. અન્ય લોકો ભુજ નગરપાલિકા સાથે જોડાયેલા છે. પાલારા જેલની મોટી વસાહત આવેલી છે. દેશની સંરક્ષણ એજન્સી, રણોત્સવ, આજુબાજુનાં ગામોની વસ્તીની સાથે નમક, સૌર ઊર્જા ઉદ્યોગનાં વાહનોથી ચોવીસ કલાક ગાજતો હાઇવે નં. 341 સૌથી વધારે અવર-જવરનો માર્ગ બન્યો છે. 

Panchang

dd