• શનિવાર, 25 એપ્રિલ, 2026

નખત્રાણાનાં મોટોસર તળાવ પાસે ગંદકીનું સામ્રાજ્ય

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 24 : નખત્રાણાથી અડધો કિ.મી. દૂર  રામેશ્વર ગામ નજીક આવેલા મોટોસર તળાવની જાળવણીની સ્થાનિકો દ્વારા માંગ ઊઠી હતી. તેમજ પર્યટન સ્થળ તરીકે વિકસાવવા તંત્ર સમક્ષ ધ્યાન દોર્યું હતું. ભરપૂર વરસાદના સમયમાં આ તળાવ છલકાય ત્યારે કુદરતી સૌંદર્ય ખીલી ઊઠે છે. જ્યારે શિયાળામાં વિવિધ પક્ષીઓના બસેરા જોવા મળે છે. સ્થળની મુલાકાત લેનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પરંતુ હાલની પરિસ્થિતિ  ચિંતાજનક બની રહી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું હતું. તળાવના પગથિયાં પાસે કચરાના ગંજ, બાવળનો ઘેરાવો, આસપાસ ઝાડી-ઝાંખરા દૂર કરી સુવ્યવસ્થિત કરવા અને સત્વરે સફાઇ કરવા માંગ ઊઠી હતી. યોગ્ય આયોજન સાથે તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી ઇચ્છા પણ વ્યક્ત કરાઇ હતી. વોક વે, બેસવા માટે બાંકડાની સુવિધા સહિતના નવનીકરણ સાથે જોવાલાયક સ્થળ બની રહે તે માટે તંત્રનું ધ્યાન દોરવા સૂચનો કરાયા હતા. રામેશ્વર ખાતે રામદેવપીરનું ઐતિહાસિક મંદિર પણ આવેલું છે. ભાદરવામાં અહીં લોકમેળો પણ ભરાય છે. સંત મોહનદાસ બાપુનો આશ્રમ પણ આવેલો છે. શહેરની આનબાન સમા આ રામેશ્વરના મોટોસર તળાવની થતી અવગણનાને નિવારી તળાવની યોગ્ય જાળવણી કરવાની તાતી જરૂર વ્યક્ત કરાઇ હતી. 

Panchang

dd