• શનિવાર, 25 એપ્રિલ, 2026

બે દાયકાથી દહીંસરામાં પાણી સમસ્યા યથાવત્

દહીંસરા (તા. ભુજ), તા. 24 : આ ગામનો પ્રાણપ્રશ્ન પાણી બે દાયકાથી ઉકેલાયો ન હોવાથી ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો. દાતા દ્વારા તૈયારી બતાવવા છતાં તંત્રની નિક્રિયતાને કારણે સમસ્યા યથાવત્ હોવાની રાવ ઊઠી છે. હાલ સાત દિવસીય મહોત્સવમાં હજારો લોકો માદરેવતન આવ્યા છે, ત્યારે સત્વરે સમસ્યાના હલની માંગ કરાઇ છે. 20 વર્ષથી કાયાવાળું ક્ષારયુક્ત પાણી આવતાં પીવાલાયક નથી તેવું ટીડીએસ રિપોર્ટમાં પણ જણાવાયું છે. પાણીની લાઇનો વારંવાર ચોક-અપ થઇ જાય છે. અઠવાડિયે ફિલ્ટર ડટ્ટા બદલવાની ફરજ પડે છે. પટેલ ચોવીસીના આ મુખ્ય ગામમાં પાંચ બેન્ક, પોસ્ટ ઓફિસમાં કરોડોની થાપણ છે. દાતાઓની પણ કોઇ કમી નથી. અનેક વખત અખબારોમાં રજૂઆત કરાઇ હોવાને પગલે રામપરના દંપતી દાતા શાંતિલાલ વેલજી ભંડેરી તથા દહિંસરા લેવા પટેલ-લંડન સમાજે પણ દાનની તૈયારી બતાવી પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ ફીટ કરાયેલા ફિલ્ટર પ્લાન્ટ પણ ત્રણ દિવસમાં કાઢી નખાયા હોવાના આક્ષેપો કરાયા હતા. દૂષિત પાણી પીવાથી પથરી, પેટના દર્દો થતા હોવાની ફરિયાદ કરાઇ હતી. હાલ મહોત્સવમાં આવેલા હજારો બિનનિવાસીઓ ગામમાં આવ્યા છે, ત્યારે કોઇ રોગચાળો ફેલાય તે પૂર્વે પાણીપ્રશ્ન ઉકેલાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઇ હતી. 

Panchang

dd