• શનિવાર, 25 એપ્રિલ, 2026

આહીર સમાજમાં પરંપરાગત લગ્નોત્સવની તૈયારીઓ શરૂ

ભુજ, તા. 24 : આહીર સમાજમાં પરંપરાગત વૈશાખ-અંધારી તેરસના યોજાતા લગ્નોત્સવની તૈયારી શરૂ થઇ હતી.આગામી 15 મે, શુક્રવારે વૈશાખ વદ તેરસના દિવસે પ્રાંથળિયા આહીર સમાજના એક જ દિવસે વર્ષમાં યોજાતાં લગ્ન યોજાશે. એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ જામ્યો છે ત્યારે બીજીબાજુ ભુજ, અંજાર, નખત્રાણા તાલુકાના પ્રાંથળિયા આહીર સમાજના ગામોમાં અંધારી તેરસનાં લગ્ન નક્કી થતાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. લગ્ન નક્કી થતાં જાય તેમ-તેમ ભુજ, અંજાર, નખત્રાણા સહિતના શહેરોમાં લગ્નને લઇને ખરીદીથી બજારમાં રોનક આવી રહી છે. એકબાજુ રસોયા, કંકોત્રી, મંડપ, ગાયકો સહિતના ધંધાર્થીઓની પૂછપરછ, તો બીજીબાજુ મહિલાઓ બજારમાં સોનાં-ચાંદી, કપડાં, વાસણ, ઇમિટેશન, બૂટ-ચંપલ સહિતની દુકાનોમાં ખરીદી કરતી જોવા મળી રહી છે. પ્રાંથળિયા આહીર સમાજમાં આદિકાળથી વર્ષમાં એક જ દિવસે લગ્ન થતાં હોવાની પ્રથા છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રાંથળિયા સમાજમાં લગ્ન થઇ ગયાં પછી એકાદ-બે વર્ષ પછી કન્યા સાસરિયામાં કાયમી રહેવા જતી હોવાથી તે કન્યા ઝુરો લઇ જાય. ઝુરો એટલે કન્યાપક્ષ તરફથી આણું આપવાનું હોય છે, જેની ખરીદી પણ આ લગ્ન સમયગાળા દરમિયાન થાય છે. ચૂંટણી તથા સખત ગરમી વચ્ચે સવારના સત્રમાં બજારમાં ચહલ-પહલ વધુ જોવા મળે છે. 

Panchang

dd