• શનિવાર, 25 એપ્રિલ, 2026

ગાંધીધામની મુખ્ય બજારમાં સૌંદર્યીકરણની ધીમી કામગીરીથી વેપારીઓ, ગ્રાહકોને મુશ્કેલી

ગાંધીધામ, તા. 23 : શહેરને મહાનગરપાલિકા જાહેર કરાયા બાદ પ્રશાસન દ્વારા ગાંધીધામ-આદિપુરમાં  સૌંદર્યીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ગાંધીધામની મુખ્ય બજારમાં ધીમી કામગીરીને કારણે વેપારીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી  રહ્યો છે. ધીમી કામગીરીથી વેપારીઓમાં રોષ ફેલાયો છે.  ડિસેમ્બર મહિનાના અંતમાં સ્વાગત રેસ્ટોરન્ટ લાઇનથી શરૂ થયેલું કામ હાલમાં ચાવલાચોક અને શીશ મંદિર લાઇન સુધી પહોંચ્યું છે, પરંતુ કામની ગતિ અત્યંત ધીમી હોવાની રાવ વેપારીઓ દ્વારા કરાઈ છે. પ્રથમ યુટિલિટી પાઇપ માટે રસ્તો ખોદવામાં આવ્યો, ત્યારબાદ પાણીની ડ્રેનેજ સિસ્ટમ અને ત્યારપછી આર.સી.સી. રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, એક બાજુનું કામ પૂર્ણ થયા પહેલાં જ બીજી બાજુ કામ શરૂ થવાથી બજાર વિસ્તારમાં અવ્યવસ્થા સર્જાઈ રહી છે. વેપારીઓએ જણાવ્યું કે, મોલ અને ઈ-કોમર્સના વધતા પ્રભાવ વચ્ચે તેઓ પહેલાંથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં બજારમાં ચાલતા ધીમી ગતિનાં કામને કારણે ગ્રાહકો બજારમાં આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વેપાર ઉપર નકારાત્મક અસર પડી રહી છે. ઉપરાંત, અનેક રસ્તાઓ બંધ હોવાને કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે, જેના કારણે ગ્રાહકો અને વેપારીઓ બંનેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય બજારના સૌંદર્યીકરણનાં કામમાં  ગતિશીલતા લાવવામાં  આવે  તેમજ તે મુજબ કામ થાય તે માટે  પૂરતું નિરીક્ષણ કરાય તેવી  પ્રબળ માંગ વેપારીઓ દ્વારા કમિશનર સમક્ષ કરાઈ છે. 

Panchang

dd