• શનિવાર, 25 એપ્રિલ, 2026

બંધારણે સૌને આઝાદી, ન્યાય અને ભાઈચારાનો સમાન અધિકાર આપ્યો

ભુજ, તા. 23 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે ગુરુવારે ભુજ આવેલા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણે સૌને આઝાદી, ન્યાય અને ભાઈચારાનો સમાન અધિકાર આપ્યો છે, તેથી કોઈની દાદાગીરીથી દેશ ચાલી શકે નહીં. સ્થાનિક સ્વરાજ્યની કચ્છની નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની સીટ પર ઊભેલા પક્ષના ઉમેદવારોનો પ્રચાર કરવા આવેલા અસદુદ્દીન ઓવૈસીએ આગામી 26મીએ આ ઉમેદવારોને ભારે મતદાન થકી જીતાડવા અનુરોધ કરી કચ્છ અને ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા હાકલ કરી હતી. ઓવૈસીએ કોંગ્રેસ, ભાજપ અને આર.એસ.એસ. પર જૂઠ ફેલાવવાનો આક્ષેપ કરતાં જણાવ્યું કે, મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનનો ઈરાદો ભારતની લોકશાહી અને જનતાને મજબૂત કરવાનો છે. તેમણે જણાવ્યું કે, મુસ્લિમોને તેમના હક્કો મળવા જોઈએ, આ ત્યારે જ શક્ય બનશે જ્યારે મુસ્લિમો પોતાની રાજકીય નેતાગીરી ઊભી કરશે. કોંગ્રેસે મુસ્લિમોનો છેલ્લા 70 વર્ષથી માત્ર મતદાર તરીકે  ઉપયોગ કર્યો છેજેના કારણે આજે મુસ્લિમો પાછળ છે. આજે જ્યાં જુઓ ત્યાં મુસ્લિમ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, પીવાનાં પાણી જેવી સુવિધાઓનો અભાવ જોવા મળે છે, અત્યાર સુધી આ સમાજનો માત્ર મતદાર તરીકે જ અન્ય પક્ષો દ્વારા ઉપયોગ થતો રહ્યો છે, ત્યારે હવે જ્યારે મોકો મળ્યો છે અને કચ્છમાં એઆઈએમઆઈએમ પક્ષના કુલ્લ 25 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે તેમને મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા ઓવૈસીએ હાકલ કરી હતી. આ અગાઉ ભુજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા શકીલ સમાએ  વોર્ડ નં. 1માં છેલ્લા 25 વર્ષથી ચૂંટાતા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આ વોર્ડમાં કોઈ કામ ન થયા હોવાનો આક્ષેપ કરી સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. શકીલ સમા અને વોર્ડ નં.-1ના ઉમેદવારો આયોજિત આ કાર્યક્રમમાં અસદુદ્દીન ઓવૈસીનું સોહૈલ ચાનિયા, રફીક જીએજા, મૌલાના હુશેન મંધરા, નિઝામ મુગલ, સુલેમાન જુસબ, મૌલાના શકીલ મુતવા, કાસીમ નોડે, બિલાલ સમા, તામરમામદ નોડે દ્વાર સન્માન કરાયું હતું. આ સભામાં કચ્છના પ્રમુખ મોહમ્મદ જત, મહામંત્રી વસીમ હોથી, અલીશા બાવા, યુસુફશા બાવા, બિલાલ મૌલાના, કાસમ, હારૂન તેમજ પક્ષના જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 

Panchang

dd