• સોમવાર, 20 એપ્રિલ, 2026

માંડવી જાણે ભાજપનો ગઢ; કોંગ્રેસ માટે કપરાં ચઢાણ

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 19 : એક સમયે રાજ્યસ્તરે મોખરાનાં સ્થાને મનાયેલા આ બંદરીય નગર સેવાસદનના 36મી સામાન્ય ચૂંટણીનાં મતદાનને એકાદ અઠવાડિયું આડું છે, ત્યારે મેદાને જંગમાં ઉતરેલા 77 ઉમેદવાર, સમર્થકો ડોર ટુ ડોર ભાગ્યવિધાતાઓને રીઝવી રહ્યા છે. વોર્ડવાર કાર્યાલયો ખુલતાં થઇ રહ્યાં છે. શહેરમાં 20039 પુરુષ અને 19934 મહિલા મતદાર મળીને 39973 મતદાર પ્રતિનિધિના ચૂંટવા સુસ્તી ઉડાડી રહ્યા છે. ત્રણ વોર્ડમાં ત્રિપાંખિયો જંગ, જ્યારે વોર્ડ 4થી 9માં કમળ અને પંજા વચ્ચે સીધો મુકાબલો થઇ રહ્યો છે. કોંગ્રેસ પક્ષે બીજા વોર્ડમાં એક ઉમેદવારીપત્ર રદ થયું છે, જ્યારે વોર્ડ 8 અને 9માં ત્રણ-ત્રણ મુરતિયા હોતાં 33 સ્પર્ધક સામે ભાજપ તમામ 36 બેઠક પર ચૂંટણી લડી રહ્યો છે. પરંપરાગત લઘુમતી મતદારોનો મહત્તમ ઝુકાવ કોંગ્રેસ તરફ ઢળતો રહ્યો, ત્યાં પણ નેત્રદીપક બદલાવની વાત નામ જાહેર નહીં કરવાની શરતે કોંગી છાવણીમાંથી કહેવામાં આવી હતી. ભાજપાએ તમામ બેઠકો અંકે કરવાનો દાવો કર્યો છે, તો કોંગ્રેસે સત્તા પરિવર્તન અર્થે ખાંડા ખખડાવ્યાં છે. - પક્ષોનું વોર્ડવાર સ્થિતિ : વોર્ડ-1માં પરંપરાગત રીતે કેસરિયા રંગી છે. ગત વેળાએ તમામ બેઠકો કમળના ખોળામાં ઢળી હતી. અહીં 2478 પુ. અને 2476 મહિલા મળીને એકંદરે 4954 મતદાર છે. રાષ્ટ્રીય પક્ષો બંને વતી 4-4 જ્યારે આપના બે સ્પર્ધક છે. શહેરના મોટાં માથાંઓ આ વિસ્તારના મતદારો છે. વોર્ડ-2માં કોંગ્રેસના એક દાવેદારનું નામાંકન રદ  થતાં પંજાને 25 ટકા ગાબડું છે ,જ્યારે આમઆદમી પાર્ટી વતી ત્રણ હરીફ ભાજપના ચાર સ્પર્ધકનો મુકાબલો કરી રહ્યા છે. વોર્ડ-3માં એક સમયે આ વોર્ડ કોંગ્રેસની મજબૂત વોટ બેંક રહ્યો છે. જો કે, છેલ્લી ચૂંટણીઓમાં તીવ્ર સ્પર્ધા છતાં ઝુકાવ ભાજપ બાજુ અનુભવાયો હતો. વોર્ડ-4માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે દ્વિપક્ષી સીધો સંગ્રામ છે. વોર્ડ-5માં અપવાદને બાદ કરતાં કોંગ્રેસનો ગઢ રહ્યો છે. નદીપાર સલાયા વિસ્તારને સમાવતા આ વોર્ડમાં લઘુમતી મતદારો, આબાદીનું બાહુલ્ય છે. ગત  ચુનાવમાં ચારેય બેઠક પંજાની ગોદમાં રહી હતી. કોંગ્રેસ પક્ષે પણ `નો રિપીટ' થિયરીની જેમ નવી ટીમ ઉતારી છે. શહેરમાં સૌથી વધુ મતદારો આ પાંચમાં વોર્ડમાં છે. વોર્ડ-6માં અસરકારક અને મોટી લઘુમતીવાળો આ વિસ્તાર રંગ બદલતો રહ્યો છે. બે ટર્મ પહેલાં અહીં કોંગ્રેસે મોટું ગાબડું પાડેલું અને ભાજપને  આંચકો આપ્યો હતો. જો કે, ગત વેળાએ  હિસાબ સરભર થઇ ગયો હતો. વોર્ડ-7માં શહેરની મધ્યમાં કોટ વિસ્તારની અંદરનો આ વોર્ડ પરંપરાગત રીતે કેશરિયો કહેવાયો છે. 3754 મતદાર છે. ભાજપાની સૌથી સલામત નીવડેલી બેઠકો પૈકીનો આ વિસ્તાર વધુ એકવાર પુનરાવર્તનનો રંગ દેખાડી રહ્યો છે. વોર્ડ-8માં નો રિપીટની તસવીરમાં પૂર્વ નગરસેવકોને ભાજપાએ મૂક્યા છે. કેશરિયો પક્ષ આ વોર્ડને પરંપરાગત પોતાનો મજબૂત ગઢ ગણી રહ્યો છે, તો કોંગ્રેસે પૂરી તાકાતથી કિલ્લાને ધ્વસ્ત કરવા મન બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો. વોર્ડ-9માં ભાજપના સૌથી સલામત વોર્ડમાં મૂલવાયો છે. ભાજપના મોભીઓ, કાર્યકરો, સમર્થકોએ એક અવાજે આ વેળાએ તમામ બેઠકો સર કરવાનું છાતી ઠોકીને કહ્યું હતું, તો કોંગ્રેસે એન્ટી ઇન્કબન્સી આગળ કરી કથિત ભ્રષ્ટાચારને પરિણામે સત્તા પરિવર્તનના સમણાં સાજાં કર્યા છે. - અપૂર્વ વિકાસકામોનું ભથ્થું વિક્રમી જીત અપાવશે : ધારાસભ્ય : સ્થાનિક સ્વરાજ્યમાં સેવાના ભાવથી કાર્યકરો આવે તે મોદીનું વિઝન છે. નો રિપીટ થીયરી અનુસરી નવી ટીમ ઉતારી છે. પરિણામો બદલી રહ્યાં છે. છેવાડાના વિસ્તારો સુધી પાણી, ગટર, રસ્તા, રોડલાઈટ, બાગ બગીચા, કોમન પ્લોટ ઉપર ડેવલપમેન્ટ, શહેરમાં પ્રવેશ અને એક્ઝિટ એમ બન્ને તરફે રસ્તાઓ દોઢિયા કરાયા છે. બાયપાસનું કામ અંતિમ તબક્કે છે. જીયુડીસી દ્વારા ગટરલાઈનનું નવીનીકરણ વીજ સમસ્યા નિવારવા, અન્ડર ગ્રાઉન્ડ વીજલાઈન પથરાવ, 186 લાભાર્થીને ઘરનું ઘર થયું અને પાયાવિધિ પણ થઈ ગઈ છે. જળભરાવ સ્થિતિ જોતાં લાકડાં બજાર છેડે ગરનાળું મોટું કરાયું, આંતરિક રસ્તાઓનાં કામો, તળાવનું બ્યૂટીફિકેશન, નવી શબવાહિની માટે ગ્રાન્ટ આપી અને ઉપલબ્ધ કરાવી ધારાસભ્ય તમારા દ્વારે મારફતે સમાધાન માટે પ્રયાસ સહિત લાંબી યાદીમાં જમાબાજુ છે. સ્વચ્છતા માટે નવા સાધનો નસીબ કરાવાયા છે. અવિરત પાણી પુરવઠામાં માંડવી મોખરે છે. પક્ષમાં નવી કેડર તૈયાર કરવા નરેન્દ્ર મોદીનું વિઝન જન સમર્થનને બળુકું બનાવે છે. બીજીબાજુ પ્રતિક્ષપે પર્યાપ્ત ઉમેદવાર ઉતારવાના પણ ફાંફા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ માંડવી-ગઢશીશા, માંડવી-ભુજ રસ્તાનું વિસ્તૃતિ અને નવીનીકરણ, નદીમાં રિચાર્જ બોર કરાય છે. આગામી ચૂંટણીમાં કેવળ નકારાત્મકતાને કારણે કોંગ્રેસના સૂપડાં સાફ થશે અને ભાજપ બેઠકો નગરપાલિકામાં હસ્તગત કરશે એવું આ વિભાગના ધારાસભ્ય અને ભાજપ પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ પ્રતિઘોષ પાડતા કહ્યું હતું. - કોંગ્રેસના સુપડાં સાફ થશે : શહેર ભાજપ પ્રમુખ : ભારતીય જનતા પાર્ટી હમેશાં કઠીન પળોના સાથી-સહયોગી રહી છે. ગત વેળાએ 31 બેઠક મળેલી. આ ચૂંટણીમાં તમામે તમામ 36 બેઠક ઉપર કમળ ખીલી ઉઠશે તેવો રણકાર શહેર ભાજપ પ્રમુખ દર્શનગિરિ રાજેશગિરિ ગોસ્વામીએ આત્મવિશ્વાસ સાથે પ્રદર્શિત કરતાં ઉમેર્યું કે પ્રજા વચ્ચે રહ્યા છીએ અને રહીશું. -  ભાજપના ભ્રષ્ટ વહીવટથી નગરજનો ત્રસ્ત : શહેર કોંગ્રેસ પ્રમુખ : ત્રણ દાયકાથી નકરા ભ્રષ્ટાચાર થકી નાગરિકો ત્રાસ્યા છે. રોડ રસ્તાઓ ખેદેલા છે. ગટરો છલકાય છે, પાણી-ગટરલાઈનો ઘણી જગ્યાએ ભળતા આરોગ્ય સામે પડકાર ખડો થયો છે. હિન્દુ સ્મશાને ગેસ સગડી ધોળો હાથી બની છે. વિકાસનાં નામે તાયફા કરાય છે. એવો આક્ષેપ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ કહ્યું કે બ્યૂટીફિકેશનના નામે નાખેલા ફૂવારા બંધ છે. સી.સી.ટી.વી. કેમેરા બંધ છે. ટોપણસર તળાવની આવ બંધ કરી દેવાઈ. બીચ ઉપર ધંધો કરવા દેવાતો નથી. તળાવની સંગ્રહ ક્ષમતા ઘટાડાઈ છે. સફાઈના નામે તંત્રના કાન બહેરા છે. આવી અસંખ્ય નિષ્ફળતા ભાજપને પરાભવ આપી કોંગ્રેસને જીતાડશે તેવો વિશ્વાસ છે. 

Panchang

dd