• સોમવાર, 20 એપ્રિલ, 2026

કેકેઆરની પહેલી જીત: રાજસ્થાનની હાર

કોલકતા, તા. 19 : આઇપીએલની 19મી સીઝનમાં ઉપરાઉપરી પ હાર સહન કરનાર કોલકતા નાઇટ રાઇડર્સનો આખરે આજે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રસાકસી પછી 2 દડા બાકી રહેતા 4 વિકેટે રોમાંચક વિજય થયો હતો. રિંકુ સિંહે ફોર્મ વાપસી કરી ફિનિશરનો રોલ  નિભાવ્યો હતો. તે 34 દડામાં પ ચોગ્ગા અને 2 છગ્ગા થી પ3 રને નોટઆઉટ રહ્યો હતો.  રિંકુ અને અનુકુલ રોય વચ્ચે સાતમી વિકેટમાં 37 દડામાં 76 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી. રોય 16 દડામાં 1 ચોગ્ગા -2 છગ્ગા થી 29 રને અણનમ રહ્યો હતો. રાજસ્થાનના 20 ઓવરમાં 9 વિકેટે 155 રનના જવાબમાં કેકેઆરે 19.4 ઓવરમાં 6 વિકેટે 161 રન કરી જીતનો સ્વાદ ચાખ્યો હતો. અગાઉ કેકેઆર તરફથી વરુણ અને કાર્તિકે 3-3 વિકેટ લીધી હતી. 156 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા કેકેઆરે 8પ રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જાડેજાની ઓવરમાં બર્ગરે રિંકુનો 11 રને લોલીપોપ કેચ ગુમાવ્યો હતો. આ જીવતદાનનો ફાયદો લઇને રિંકુએ મેચ ફિનિશ કરી હતી. સિફર્ટ અને કપ્તાન રહાણે 0-0 સાથે પાછા ફર્યા હતા. રઘુવંશી 10, ગ્રીન 27 અને પોવેલ 23 રને આઉટ થયા હતા. રાજસ્થાન તરફથી જાડેજાએ 3 ઓવરમાં 8 રનમાં 2 વિકેટ લીધી હતી. તેની એક ઓવર બચાવી રાખવી આરઆરના કેપ્ટન રિયાનને મોંઘી પડી હતી. રાજસ્થાન તરફથી વૈભવે 28 દડામાં 6 ચોગ્ગા -2 છગ્ગાથી 46 અને યશસ્વીએ 39 રન કર્યા હતા. બાકીના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. આથી રાજસ્થાનની ઇનિંગ્સ 9 વિકેટે 1પપ રનના સામાન્ય સ્કોર પર અટકી ગઈ હતી. વરુણે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 3 વિકેટ લીધી હતી. 

Panchang

dd