• સોમવાર, 20 એપ્રિલ, 2026

કકરવા પાસે ધોળા દિવસે યુવાનને રોકાવીને માર મારી કરાયું અપહરણ

ગાંધીધામ, તા. 19 : ભચાઉ તાલુકાનાં કકરવા પાસે વાહનો ઉપર આવેલા છ આરોપીએ ધોળા દિવસે મોટરસાઈકલ ઉપર જતા યુવાનને રોકે તેને માર મારી  અપહરણ કર્યું હોવાનો મામલો  પ્રકાશમાં આવતાં ચકચાર પ્રસરી હતી. મારામારી અને અપહરણનો આ બનાવ જૂના કકરવા નીલપર પાટિયા પાસે ગત તા.18/4ના  સાંજે પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન કરતા રમેશભાઈ બાબુનાથ વાદીએ ખોળાનાથ નાગનાથ વાદી, દેવનાથ નાગનાથ વાદી, ભરવનાથ નાગનાથ વાદી, નાગનાથ સાહેબનાથ વાદી, બિચ્છાનાથ સાહેબનાથ, ચચ્ચાનાથ સાહેબનાથ વાદી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, ફરિયાદી પોતાની મોટરસાઈકલ લઈને રાપરથી  મોખા-મુંદરા તરફ જવા નીકળ્યા હતા તે દરમ્યાન બનાવ સ્થળે સફેદ રંગની ગાડી અને મોટરસાઈકલ સાથે ઊભેલા આરોપીઓએ ફરિયાદીને રોકાવીને કોઈ કારણ વિના ગાળાગાળી કરી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવારમાં કાળા રંગની થાર ગાડીમાં આવેલા આરોપીઓએ ફરિયાદી ઉપર લાકડાંના ધોકા વડે હુમલો કર્યો હતો આ ઉપરાંત આરોપી નાગનાથ અને તેનો દીકરો ખોળાનાથ ફરિયાદીને મોટરસાઈકલ ઉપર બેસાડીને નીલપર લઈ ગયા હતા. નીલપરમાં રહેતા ફરિયાદીના કુંટુબીજનોએ આ યુવાનને આરોપીઓ પાસેથી મુક્ત કરાવ્યો હતો. જતા-જતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ભોગ બનનાર યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને ઘટના પાછળનું કારણ જાણવા સહિતની દિશામાં વધુ તપાસ આરંભી છે. 

Panchang

dd