• સોમવાર, 20 એપ્રિલ, 2026

`આંખ' ઉઘડી જાય, તો જીવન ધન્ય બની જાય

ભુજ, તા. 19 : ભગવાને કિંમતી અંગ આંખ આપી છે. આંખમાં કંઇક પડે તો તકલીફ થાય અને આંખ ન જોવાનું જુએ તો પણ તકલીફ... આંખ ઊલળે તોય તકલીફ, પરંતુ એ જ આંખ જો ઊઘડી જાય તો જીવન ધન્ય બની જાય... એટલા માટે આંખ એક દૃષ્ટિ અને એક અનુભવ છે. દૃષ્ટિ-આંખ બરોબર હોય તો દરેક કાર્યો વ્યવસ્થિત થઇ શકે. કચ્છના નેત્રરોગીઓના આંખના અંધારા દૂર થાય અને જીવન પ્રકાશમય બને તેવા આશીર્વાદ સ્વામિનારાયણ મંદિરના સંત ધર્મચરણસ્વામીએ આજે નારાણપર ખાતે યોજાયેલા `પ્રોજેક્ટ રોશની'ના 25મા કેમ્પમાં આપ્યા હતા. કચ્છમિત્ર પ્રાયોજિત અને કચ્છી લેવા પટેલ આયોજિત આ કેમ્પનું આયોજન લેવા પટેલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વખતે કેમ્પમાં 100થી 125 દર્દી લાભ લેતા હોવાની વિગતો અપાઇ હતી. આજના કેમ્પમાં આંખના દર્દીઓની સાથો સાથ ચામડી, દાંત અને મગજના દર્દીઓએ પણ કેમ્પનો લાભ લઇ તબીબો પાસેથી નિદાન મેળવ્યું હતું. ધર્મચરણ સ્વામીએ પ્રવચનમાં વધુમાં કહ્યું કે, મનુષ્યનાં જીવનમાં શરીર અને મન સ્વસ્થ હોય તો દરેક કાર્ય થઇ શકે છે. પહેલું સુખ તે જાતે નર્યા... તે ઉક્તિ મુજબ પોતે જ પોતાના શરીરની કાળજી રાખીએ તો કોઇ રોગ ન થાય. મોટાભાગના રોગની શરૂઆત પેટથી થાય છે. ખોરાક શુદ્ધ હોય તો ઘણા રોગો ઓછા થઇ જાય. હવે તો ખેતરમાં ખોરાક પકવવા પણ દવાનો ઉપયોગ થાય છે એટલે જન્મથી જ દવા-દવા છે ત્યારે દવા સિવાય છૂટકો નથી, આ વચ્ચે આ રીતે લોકોને નિરોગી બનાવવા પ્રયાસો થઇ રહ્યા છે તે સરાહનીય છે અને આ માટે દાતા પરિવારો, સમાજના અગ્રણીઓ અને તબીબોને અભિનંદન સાથે આશીર્વચન પાઠવ્યા હતા. આજના આ આંખ કેમ્પના દાતા અ.નિ. ગોપાલ ગાંગજી પિંડોરિયા હસ્તે ગં.સ્વ. પુરબાઇ ગોપાલ પિંડોરિયા, પુત્ર નરેન્દ્ર-પત્ની દક્ષાબેન, પુત્ર વિનોદ-પત્ની વનિતાબેન અને પુત્રીઓ વનિતાબેન, પ્રેમિલાબેન, શાંતાબેન રહ્યા હતા. દાતા પરિવારનું અગ્રણીઓ દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો. આજના આ કાર્યક્રમમાં લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઇ દામજી પિંડોરિયા (મિરજાપર), કેમ્પના પ્રેરણા દાતા નાનજીભાઇ કાનજી પિંડોરિયા, સમાજના ભૂતપૂર્વ પ્રમુખ વેલજીભાઇ દામજી પિંડોરિયા (નારાણપર), મોબાઇલ ક્લિનિકના દાતા અ.નિ. કાંતાબેન કરશન પિંડોરિયા હસ્તે પુત્ર શશિકાંત કરશન પિંડોરિયા, કચ્છમિત્રના આસિ. મેનેજર હુસેન વેજલાણી, એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ધનસુખભાઇ, મંત્રી મનજીભાઇ, ટ્રસ્ટી વિનોદભાઇ પિંડોરિયા તથા સર્વે ટ્રસ્ટીગણ જોડાયા હતા. આ ઉપરાંત કચ્છી લેવા પટેલ સમાજના દાતા ટ્રસ્ટી લક્ષ્મણભાઇ, મંત્રી કરશનભાઇ અને સર્વે ટ્રસ્ટીગણ તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો દિવ્યપ્રકાશ, ઘનશ્યામપ્રકાશ, સાંખ્યયોગી બહેનો તથા નારાણપરના અગ્રણીઓ, સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શિવજીભાઇ, મંત્રી ધનજીભાઇ, નૈરોબી સમાજના પ્રમુખ પ્રવીણભાઇ, ગામ્બિયા પ્રમુખ ખીમજીભાઇ, દાતા રવજીભાઇ, લાલજીભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સમાજના ટ્રસ્ટી અરજણભાઇ પિંડોરિયાએ સંભાળ્યું હતું. આ કેમ્પની વ્યવસ્થામાં રામજીભાઇ સેંઘાણી, સામજીભાઇ પિંડોરિયા, કિશોરભાઇ પિંડોરિયા, ઉમેશભાઇ પિંડોરિયા, લેવા પટેલ હોસ્પિટલનો સ્ટાફ, ડો. ચિંતન મહેતા, ડો. મેહુલ કલાવરિયા તેમજ નૂતન સરસ્વતી વિદ્યાલય અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય (નારાણપર)નો સ્ટાફ જોડાયો હતો. 

Panchang

dd