માંડવી, તા. 19 (પ્રતિનિધિ તરફથી) : મૂળ બિદડાના
અને કચ્છનું ગૌરવ એવા પૂર્વ રેલવેમંત્રી, સાંસદ દિનેશભાઈ ત્રિવેદીની પડોશી બાંગલાદેશ ખાતે હાઈકમિશનર તરીકે પસંદગી થતાં
આનંદ છવાયો છે. શેખ હસીના શાસન બાદ યુનુસકાળ દરમ્યાન ભારત-બાંગલાદેશ વચ્ચેના સંબંધોમાં
ખટાશ-તંગદિલીવાળી ગત સરકાર બાદ તાજેતરમાં બંગભૂમિ ઉપર થયેલા રાજકીય બદલાવમાં તારિક
રહેમાનના નેતૃત્વવાળી સરકાર સાથે સંબંધો સુધારવાના પડકારરૂપ સમયમાં કુશળ રાજનીતિજ્ઞ
તરીકે શ્રી ત્રિવેદીની પસંદગી વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મહત્ત્વની છે. વિદેશની ધરતી
ઉપરથી ઉચ્ચ શિક્ષણ ઉપરાંત કોમર્શિયલ પાઈલટ તરીકે સિદ્ધિપ્રાપ્ત દિનેશભાઈ ત્રિવેદી
'90માં ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ બાદ તેઓએ
ટી.એમ.સી. સાથે જોડાઈ દીર્ઘકાળ સુધી બંગાળમાં બહેરાનપુર લોકસભા સાંસદ તરીકે પ્રતિનિધિત્વ
કર્યું. આ દરમ્યાન તેઓ યુ.પી.એ. શાસન સમયમાં મનમોહનસિંહ સરકારમાં રાજ્યકક્ષાના આરોગ્ય
મંત્રી અને તે પછી તેઓએ રેલવેમંત્રી તરીકે અલ્પકાળમાં રેલવેમાં જનાભિમુખ બદલાવવાળા
પગલાંઓ, સુધારાઓ લેવાં લોકપ્રિય બન્યા. 2021માં તેઓએ મમતા દીદીની પાર્ટી
છોડી સાંસદ પદેથી પણ રાજીનામું આપ્યું હતું. તેઓ સત્તા કે ખુરશી તરફ દોડનારાઓમાં અલગ
ભાત પાડતાં અજાતશત્રુ તરીકે લોકજીભે રહ્યા છે. તેઓ બિદડા સર્વોદય ટ્રસ્ટના પેટ્રન છે.
તાજેતરમાં બંગાળમાં ચૂંટણી માહોલમાં પ્રદેશના વરિષ્ઠો સાથે અને પક્ષના કેન્દ્રીય નેતૃત્વ
સાથે કમળને ખીલવવા માટે તેઓએ મૂલ્યવાન પ્રદાન આપ્યું છે. તેઓ અસરકારક વક્તા અને સમર્પિત
વ્યક્તિત્વ ધરાવે છે. ઈશાન-પૂર્વમાં બાંગલા સીમાએથી થતી ઘૂષણખોરી, માનવ-ગૌતસ્કરી, શત્રુતાભરી
હલચલ સહિતની સમસ્યાઓ સાથે સીમા સંબંધે સમસ્યાઓ વકરે નહીં. હૂંફાળા સંબંધોનું પુન:સ્થાપન
તેમની પસંદગી માટે મહત્વનાં પાસાં છે. આજે આ મહત્ત્વના સમાચાર મળતાં બિદડા,
માંડવી સહિત કચ્છમાં આનંદ છવાયો છે. દિનેશભાઈ ત્રિવેદી આરોગ્ય ક્ષેઁત્રે
વિખ્યાત બિદડાના વતની છે અને એમની સાથે ત્રણ પેઢીઓથી ઘનિષ્ઠ નાતો, પારિવારિક સંબંધો ધરાવનારા એમના પરમમિત્ર બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી અને
નેચરક્યોરના મેનેજિંગ ડાયરેક્ટર હેમંતકુમાર બચુભાઈ રાંભિયાએ હરખની હેલી સાથે કહ્યું
હતું કે, શ્રી ત્રિવેદી `ઈન્ટરનેશનલ ડિપ્લોમસી'માં સારા તજજ્ઞ છે, માહેર
છે. શ્રેષ્ઠ સાંસદનું સન્માન પ્રાપ્ત વિવિધ સંસદીય સમિતિઓમાં નેતૃત્વ, કુશળ અને પ્રભાવિત મુખ્ય નેતૃત્વ, સમસ્યાના મૂળમાં જઈને
નિવારવાની કોઠાસૂઝ ધરાવે છે. ભારત-બાંગલાદેશ પરસ્પર સંબંધોના પુન:સ્થાપનમાં તેમની શક્તિ
અને દૃષ્ટિ દેશના હિતમાં રહેશે. તેમના પુત્ર પાર્થ ત્રિવેદી અમેરિકામાં સ્પેસ સાઈન્ટિસ્ટ
છે અને એમની ત્યાં કંપની છે. પુત્રવધુ ગ્રીક છે અને યુ.કે.માં યુનિ.માં વિભાગીય વડા
છે. પત્ની ડો. મીનલબેન બોટનીમાં પીએચ.ડી. છે.