ભુજ, તા. 19 : અક્ષય તૃતીયાના પાવન પ્રસંગે
સોનાં-ચાંદીની ખરીદીનું પણ વિશેષ મહત્ત્વ છે. પણ હાલ મધ્ય-પૂર્વના યુદ્ધ સહિતના પરિબળોને
લીધે કિંમતી ધાતુઓના ભાવમાં અણધારી વધઘટને લીધે અખાત્રીજના દિવસે રવિવારે કચ્છની સુવર્ણ
બજારમાં મોટાપાયે ઘરાકી જોવા મળી નહોતી, પણ સરેરાશ 30થી 40 ટકા ખરીદી નોંધાતાં સુવર્ણકારો
એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે, અગામી
દિવસોમાં સ્થિતિ સુધરશે. કચ્છ બુલિયન ફેડરેશનના અગ્રણી જગદીશભાઈ ઝવેરી કહે છે કે,
થોડી ઘરાકી નીકળી હતી અને લોકોએ કિંમતની વધઘટને લીધે મોટી ખરીદી ટાળી
હતી અને શુકન સાચવવા પરચૂરણ આઈટમો ખરીદી હતી. વૈશાખ માસની બારશે કચ્છમાં ઘણા લગ્નો
યોજાતાં હોય છે તેના અગાઉથી ઓર્ડરો આપી દેવાતા હોય અને અખાત્રીજના તેની ડિલિવરી હોય
એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ થોડી ઘરાકી દેખાઈ હતી. ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ
ભદ્રેશ દોશી કહે છે કે, એકાદ સપ્તાહથી સ્થિતિ થોડી સુધરી છે અને
લોકો નાની-મોટી ખરીદી કરતા થઈ ગયા છે. આજે લોકોએ શુકન સાચવ્યું એમ કહી શકાય.