ભુજ, તા. 19 : કચ્છમાં
હવે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને આડે હવે એક સપ્તાહ જેટલો સમય માંડ બાકી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્રની તૈયારીઓ વેગ પકડતી જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં
જેની ભૂમિકા મહત્ત્વની રહેતી હોય છે એ ઈવીએમને ચૂંટણી માટે સજ્જ કરવાની કામગીરી આરંભી
દેવામાં આવી છે. 4000 જેટલાં
ઈવીએમની કમીશનિંગની કામગીરી બે દિવસમાં સંપન્ન કરી લેવાશે તેવું વહિવટી તંત્ર દ્વારા
સત્તાવાર રીતે જણાવાયું છે. કચ્છમાં 1896 મતદાન બૂથ માટે 4000 જેટલા
ઈવીએમની ફાળવણી કરી તેનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ કર્યા બાદ તાલુકા મથકે તેને રવાના
કરી દેવાયા હતા. ઈવીએમના બેલેટ યુનિટ પર ઉમેદવારનું નામ, ફાળવાયેલ પ્રતીક, ઉમેદવારનો ફોટો સહિત દાખલ કર્યા બાદ મોકપોલ
કરી ઈવીએમ કમીશનિંગની આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પીંક
પેપરથી સીલ મારી ઈવીએમને સ્ટ્રોંગરૂમમાં રાખી દેવાશે. તાલુકા કક્ષાએ હાથ ધરાયેલી કામગીરી તબક્કાવાર રીતે
મંગળવાર સુધી પૂર્ણ કરી લેવાશે. કમીશનિંગનું આ કાર્ય સંપન્ન થયા પછી મતદાનના એક દિવસ
પૂર્વે ઈવીએમના કંટ્રોલ અને બેલેટ યુનિટને રેન્ડમાઈઝેશન મારફત ફાળવાયેલ બૂથ પર પહોંચાડી
દેવામાં આવશે. - સ્ટાફને કરાયો તાલિમબદ્ધ :
ચૂંટણી કામગીરી માટે 10 હજાર જેટલા પોલિંગ
સ્ટાફને ફરજ સોંપણી કરવામાં આવી છે. આ તમામ સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરીનું યોગ્ય માર્ગદર્શન
મળી રહે એ માટે તાલિમબદ્ધ કરવામાં આવ્યા છે. ચૂંટણીલક્ષી સાહિત્ય મતદાન મથકોએ પહોંચાડવાની
તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.