• રવિવાર, 19 એપ્રિલ, 2026

ગાંધીધામનો નોર્થ વિસ્તાર દુષિત પાણીથી પીડીત

ગાંધીધામ, તા. 18 : મહાનગરપાલિકા બન્યા  બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા-જુદા વિભિન્ન પ્રકારના કામનો ધમધમાટ ચાલુમાં છે. તેવામાં મુખ્ય બજાર પાસે નોર્થ વિસ્તારમાં આવતી રહેણાંક  સોસાયટીમાં છેલ્લા  લાંબા સમયથી  ગટર મિશ્રિત દુષિત પેયજળ આવતુ હોવાની ફરીયાદો સ્થાનિકોએ કરી હતી. શહેરના ઝુલેલાલ મંદિર  આજુબાજુ,400 કવાર્ટર, અંબાજી મંદિર તથા રામદેવપીર મંદિર પાસે આવતી રહેણાંક વસાહતોમાં છેલ્લા લાંબા સમયથી અવારનવાર નળ વાટે દુષિત પાણી આવતુ હોવાની ફરીયાદો ઉઠી હતી. સ્થાનિકોએ ફરીયાદ કરતા જણાવ્યુ હતુ કે દૂષિત પાણી મુદે વખતોવખત ફરીયાદ કરાઈ છે. આ સમસ્યાનુ સમાધાન થતુ નથી. જુદા-જુદા સ્થળે ગટર ની લાઈનલ લીકેજ થતુ હોવાના કારણે  આ ગંદુ પાણી પાણીની લાઈનમાં ભળીને લોકોના ઘરોમાં પહોંચે છે. આ અંગે સંબંધિતો સમક્ષ ફરીયાદ કર્યા બાદ પાલિકાની ટીમ ધ્વારા તપાસ કરી લીકેજ સાંધવામાં આવે છે. અલબત થોડા સમય બાદ ફરી એની એજ સ્થિતિ નિર્માણ પામે છે. કાયમી સમસ્યાના ઉકેલની દિશામાં મહાપાલિકા ધ્વારા નકકર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. આ ઉપરાંત ફરીયાદ લખાવ્યા બાદ પણ આ મુશ્કેલી નિવારવામાં આવતી નથી. સ્થાનિકોએ કહયુ હતુ કે  આ વિસ્તારમાં જુની લાઈનોની તપાસ કરી તેમાંથી લીકેજ દૂર કરવા જોઈએ. તેમજ અંદાજીત ત્રણ વર્ષ અગાઉ આ વિસ્તારમાં બ્લુ કલરની  લાઈનો લોકોના ઘરો-ઘર સુધી નાખવામાં  આવી હતી.લાંબા સમય વિતવા છતાં આ નવી લાઈનમાંથી પાણી આવ્યુ નથી. આ લાઈનમાં પેયજળ વિતરણ કરવામાં આવે તો આ વિસ્તારમાં દુષિત પેયજળની સમસ્યા ઉકેલાઈ શકે તેમ હોવાનુ સ્થાનિકોએ ઉમેર્યું હતું. મહાનગરપાલિકાના સતાધીશો ધ્વારા  લોકોના સ્વાસ્થ્ય ને સ્પર્શતા  મહત્વના મુદે ગંભીરતા દાખવી સમસ્યા ઉકેલવાની દિશામાં  કાર્ય કરવામાં આવે તેવી સમયની માંગ છે. 

Panchang

dd