ભુજ, તા. 13 : કચ્છમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ યથાવત્ રહ્યો છે.
પ્રખર તાપે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેમ લૂ ઓકતા ઊની વાયરાએ જનજીવનને ત્રાહિમામ
પોકરવા માટે મજબૂર કરી દીધું હતું. હવામાન વિભાગે એક દિવસ હિટવેવની ચેતવણી જારી
કરી છે,
તો આખું અઠવાડિયું તાપ અને ઊકળાટનો અનુભવ થશે તેવીય સંભાવના
દેખાડવામાં આવી છે. ભુજ અને અંજાર-ગાંધીધામ ક્ષેત્રમાં મહત્તમ પારો સ્થિર રહ્યો
હતો. ભુજમાં 40.8 અને કંડલા (એ) ક્ષેત્રમાં 40.6 ડિગ્રી
તાપમાન નોંધાયું હતું. નલિયા અને કંડલા પોર્ટમાં પારો ગગડીને અનુક્રમે 37.2 તેમજ
37.7 ડિગ્રીએ
પહોંચ્યો હતો. સરેરાશ 12થી 15 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા લૂ
ઓકતા ગરમ પવનોએ ગરમીની દાહકતાને વધારી હતી. લઘુતમ તાપમાન પણ 23થી
25 ડિગ્રી
વચ્ચે નોંધાતાં રાત્રિનો માહોલ ઊકળાટભર્યો રહ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ ગરમી
રાજકોટમાં 42.4 ડિગ્રી
નોંધાઇ હતી. કચ્છના બે સહિત રાજ્યના 11 શહેરમાં મહત્તમ પારો 40 ડિગ્રી
ઉપર નોંધાતાં આખાં રાજ્યમાં તાપનો આકરો પ્રભાવ જોવા મળ્યો હતો.