ભુજ, તા. 13 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાની
પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થવામાં છે, ત્યારે ચૂંટણી જંગમાં ઝુકાવનારા ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે માંડ દસેક
દિવસનો સમય મળવાનો છે. પ્રચાર કરવા માટે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો મળ્યા
હોવાના લીધે મોટાભાગના ઉમેદવારો ડોર ટુ ડોર જઈ મહત્તમ મતદારો સુધી રૂબરૂ પહોંચવાનો
પ્રયાસ કરી રહ્યા છે તેની સાથે સોશિયલ મીડિયાને પ્રચાર કરવા માટે સબળ માધ્યમ બનાવી
રહ્યા છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી જેમ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચારમાં
પ્રચાર સભા કે અન્ય કોઈ મોટા આયોજન થતા નથી. મોટાભાગે કાર્યકર મિલન, સબંધિત વિસ્તારોમાં રીક્ષા ફેરવવા સહિતના માધ્યમથી પ્રચાર કરાતો હોય છે.
હવે તો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બંને મુખ્ય રાજકીય પક્ષ
તેમજ અન્ય પક્ષના ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરતા હોય છે. આ વખતે પ્રચાર
કરવા માટે દિવસો જ ઓછા મળ્યા હોવાથી સોશિયલ મીડિયાને જ પ્રચારનું મહત્ત્વનું
માધ્યમ બનાવાઈ રહ્યું છે. ચૂંટણી જંગમાં ઝુકાવનારા ઉમેદવારો સોશિયલ મીડિયા પર
રિલ્સ બનાવી અને અલગ અલગ પોસ્ટ મૂકીને મતદારોને પોતા તરફ આકર્ષવાના પ્રયાસ કરી
રહ્યા છે. આકરા તાપના માહોલમાં આમેય મતદારોના મોટા સમુહને કોઈ એક જગ્યાએ એકત્રિત
કરવાનું કાર્ય અઘરું બનતું હોય છે. ત્યારે એક સાથે વધુમાં વધુ લોકો સુધી પહોંચી
શકાય એ માટે ઘરોઘર પ્રચાર કરવા સાથે સોશિયલ મીડિયાના ઉપયોગને અગ્રતા આપી રહ્યા છે.