• શનિવાર, 18 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 1571માંથી 413 ફોર્મ અમાન્ય

ભુજ, તા. 13 : કચ્છમાં આગામી 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હાથ ધરાયેલી ફોર્મ ચકાસણીની કામગીરી દરમ્યાન 413 અમાન્ય ઠર્યાં હતાં જ્યારે ફોર્મ 1148 માન્ય રખાયા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે 1571 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. કેટલીક બેઠકો બિનહરીફ પણ થઇ હતી. આજે જિલ્લામાં હાથ ધરાયેલી ચકાસણીની કામગીરી દરમ્યાન કેટલાક સ્થળે વાંધો ઉઠાવાતાં મામલો ગરમાયો હતો. ખાસ કરીને ભુજ નગરપાલિકામાં પાંચમા વોર્ડના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા ઊઠેલા વાંધા વચ્ચે તમામ પાસાં ચકાસી આ ફોર્મને માન્ય રખાયું હતું. એ જ રીતે માધાપર નવાવાસની તા. પંચાયત બેઠકમાં પણ ભાજપના ઉમેદવારે કેટલીક વિગતો છુપાવ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. ફોર્મ ચકાસણી પછી હવે જિલ્લામાં 1148 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, હજુ બુધવાર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાવાના હોવાથી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં કુલ કેટલા ઉમેદવારો બાકી રહેશે તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

ભુજ સુધરાઇમાં 14 ફોર્મ રદ

ભુજ સુધરાઇની ચૂંટણી માટે કુલ ભરાયેલા 133માંથી 14 ફોર્મ રદ થતાં 109 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે તો તા. પંચાયતમાં 79 ફોર્મ માન્ય અને 23 અમાન્ય ઠર્યાં હતાં.

માંડવીમાં 92 ફોર્મ માન્ય

માંડવી તાલુકા માટે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંબંધે ફોર્મ ચકાસણી અંગે તાલુકા પંચાયતની બેઠકો માટે પેશ 82 નામાંકનપત્રમાંથી 35  દાવેદાર અમાન્ય ઠરતાં હવે 47 જેટલાં ફોર્મ માન્ય રખાયાં છે. જિલ્લા પંચાયતની ચાર બેઠક માટે 12 આવેદનપત્રમાંથી ચાર નિયમોનુસાર ન હોવાથી અમાન્ય જ્યારે આઠને ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. નગર સેવા સદનથી 36 બેઠક માટે પેશ થયેલા 115 નામાંકનપત્રમાંથી 78 માન્ય ઠર્યા હતા જ્યારે 37 રદ કરાયા હતા. માન્ય નામાંકનપત્રોમાં ભાજપ તરફે 36, કોંગ્રેસ પક્ષે 33 જ્યારે આમઆદમી પાર્ટીના 9 મળીને 78નો આંકડો થયો છે.

મુંદરા નગરપાલિકા માટે 62 અને તા.પં.માં 49 ઉમેદવારનાં ફોર્મ માન્ય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મુંદરા શહેર અને તાલુકા પંચાયતની ચૂંટણીના શનિવારે ફોર્મ ભરાયાં બાદ આજે ચકાસણીના અંતિમ દિવસે મુંદરા નગરપાલિકા ચૂંટણીમાં કુલ ભરાયેલા 100 ફોર્મમાંથી 38  અમાન્ય ઠર્યા હતા. જેથી  હવે 62 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠકો માટે કુલ ભરાયેલાં 82 ઉમેદવારી ફોર્મમાંથી 44 ફોર્મ અમાન્ય રહેતાં હવે 49 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જો કે, ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસ 15મી એપ્રિલે ખરેખર કેટલા ઉમેદવાર હજુ જંગમાં રહે છે તે ચિત્ર સ્પષ્ટ થશે.

મુંદરા નગરપાલિકામાં હવે વોર્ડ નંબર 1, 3 અને 7માં સીધો ભાજપ કોંગ્રેસનો જ મુકાબલો રહેશે. મુંદરા તાલુકા પંચાયતની સ્થિતિ જોવામાં આવે તો  18 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો રહેશે.  આમ આદમી પાર્ટી માત્ર છ બેઠકો પર ઝુકાવી રહી છે, જેમાં છસરા, લુણી, નાના કપાયા, પત્રી, સાડાઉ અને સમાઘોઘાનો સમાવેશ થાય છે. જ્યારે બસપના ઉમેદવાર દેશલપર કંઠી અને મોટી ભુજપુરમાં માન્ય ફોર્મ ધરાવે છે અને વિવિધ બેઠકો પર પાંચ અપક્ષો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.

ગાંધીધામ કોર્પોરેશનની ચૂંટણીમાં 27 ફોર્મ અમાન્ય

ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનની 13 વોર્ડની 52 બેઠકો માટેની ચૂંટણીમાં 189 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં તેમાં ફોર્મ ચકાસણી દરમિયાન 27 ફોર્મ અમાન્ય થયાં છે અને બે વાંધા અરજી પણ થઈ છે. હવે મેદાનમાં 162 ઉમેદવાર છે. 15મી એપ્રિલે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તે આખું ચિત્ર સ્પષ્ટ થશે. ઉમેદવારીપત્ર ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 1થી 5માં પાંચ ઉમેદવારીપત્રો અમાન્ય થયા છે અને ટેકેદારની સહીને લઈને બે વાંધાઅરજી થઈ છે. વોર્ડ નંબર ત્રણમાં તો મહિલા ઉમેદવાર ફોર્મ ભરી શક્યા નથી. તેઓએ મામલતદાર કચેરી ખાતે પોતાનું ફોર્મ આપ્યું હતું અહીં તે ફોર્મ ભરવાનું ન હોય એટલા માટે અધિકારીઓએ તેનું ફોર્મ સ્વીકાર્યું નહીં એટલે તે મહિલા ઉમેદવાર ભરી શક્યા નથી, તો વોર્ડ નંબર પાંચમાં ઉમેદવાર પણ ફોર્મ ભરી શક્યા નથી. વોર્ડ નંબર 6થી 9માં ઉમેદવારીપત્રની ચકાસણી દરમિયાન વીસ ફોર્મ અમાન્ય થયાં હતાં. અહીં ચાર વોર્ડ માટે 80 ઉમેદવારીપત્ર ભરાયા હતા. ચકાસણી દરમિયાન 20 રદ થતાં હવે 60 ઉમેદવાર મેદાનમાં છે. વોર્ડ નંબર 10થી 13માં 44 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન બે અમાન્ય થયા છે હવે અહીં 42 ઉમેદવાર છે. રાપરમાં ઉમેદવારીપત્રોની ચકાસણી દરમ્યાન આડેસરના એક અપક્ષ ઉમેદવારનાં ફોર્મમાં અધૂરાશ હોતાં અને ફી પણ ન ભરી હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યાનું ચૂંટણી અધિકારી અને મામલતદાર એચ. બી. વાઘેલાએ જણાવ્યું હતું. તો અમુક ડમી ઉમેદવારોનાં નામ કમી કરવામાં આવતાં હવે તાલુકા પંચાયતની 24 બેઠક માટે 69 ઉમેદવાર મેદાનમાં છે. અમુક પક્ષો પોતાના ઉમેદવારોને `સાચવવા' દોડધામ કરી રહ્યા છે. ગામડાંઓમાં રાત્રિ બેઠકો અને ખાટલા બેઠકો શરૂ થઇ ગઇ છે.

અંજાર સુધરાઇમાં 41 ફોર્મ રદ, 74 માન્ય

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે અંજાર મધ્યે ફોર્મ ચકાસણીની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ક્રૂટીનીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે નગરપાલિકાના જંગમાં અનેક ડમી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા, તો અમુક ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરાયા હતા. અંજાર સુધરાઈની ચૂંટણી માટે રજૂ કરવામાં આવેલા 115 ફોર્મમાંથી ચકાસણી દરમિયાન 41 ફોર્મ અમાન્ય ઠર્યાં હતાં, જ્યારે 74 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.

ભાજપના 3 ઉમેદવારો અત્યારથી જ બિનહરીફ જાહેર થયા છે.

ઉમેદવારીપત્રો ખેંચવાની અંતિમ તારીખ 15/4 બુધવારના હોવાથી અત્યારે રાજકીય લાબિંગ તેજ બન્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, 15મી તારીખે અનેક પક્ષ-અપક્ષના ઉમેદવારો પોતાનાં ફોર્મ પરત ખેંચી શકે છે.  ભાજપના હજુ પણ 3થી 4 ઉમેદવારો બિનહરીફ બને તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

અંજાર તાલુકા પંચાયતમાં 25 ફોર્મ અમાન્ય

અંજાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને પગલે અંજાર તાલુકાનો રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં અનેક નાટ્યાત્મક વળાંકો જોવા મળ્યા હતા. 25 ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યાં છે. અંજાર તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 70 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચકાસણી બાદ 20 ફોર્મ અમાન્ય ઠર્યાં છે. ભાજપના 17 અને કોંગ્રેસના 3 ડમી ઉમેદવારોનાં ફોર્મ રદ થયાં હતાં. હવે ચૂંટણી મેદાનમાં 50 ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યાં છે. અંજાર તાલુકા હેઠળ આવતી કચ્છ જિલ્લા પંચાયતની 4 મહત્ત્વની બેઠકો (ભીમાસર, વરસામેડી, રતનાલ અને ખેડોઇ) માટે કુલ 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 5 ડમી ઉમેદવારોનાં ફોર્મ રદ કરાતાં હવે 12 મુરતિયાઓ મેદાનમાં છે. ચકાસણી દરમિયાન ભાજપના 3 અને કોંગ્રેસના 1 ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. આમ આદમી પાર્ટી (આપ)ના રતનાલ બેઠક પર ઉમેદવારે 2 ફોર્મ ભર્યા હતા, જેમાંથી નિયમ મુજબ 1 ફોર્મ રદ કરી 1 માન્ય રાખવામાં આવ્યું છે.

ભચાઉ તાલુકા પંચાયતની મોરગર અને ચીરઈ બેઠકમાં ભાજપને બિનહરીફ

તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આજે  વિપક્ષના બે ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચી  લેતાં ભાજપે  ખાતુ ખોલાવ્યું છે. તાલુકા પંચાયત ચૂંટણી માટેની 20 બેઠક પૈકી 2 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં ચીરઇ -4 ઉપર ભરતાસિંહ નટુભા જાડેજા જ્યારે મોરગર બેઠકમાં નિલમબા મયૂરધ્વજાસિંહ જાડેજા બિનહરીફ જાહેર થયા છે. ભચાઉ મામલતદાર એમ. કે. રાજપૂતે જણાવ્યું કે, 10 બેઠક ઉપર કુલ 30 ફોર્મ ભરાયાં હતાં, જેમાં બે ડમી ફોર્મ રદ થયા છે જ્યારે બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. કુલ 26 ઉમેદવારનાં ફોર્મ માન્ય રહ્યાં છે.

બીજી તરફ ભચાઉ તાલુકા વિકાસ અધિકારી વજાસિંહ પરમારે કહ્યું કે, 10 બેઠક પર કુલ 31 ફોર્મ ભરાયાં હતાં, જેમાંથી 4 ડમી ફોર્મ રદ થયાં છે, માટે 27 ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યાં છે.  અન્ય પક્ષના 7 સહિત કુલ  18 બેઠક માટે 53 ઉમેદવારો મેદાનમાં રહેશે.

ભુજનો 11મો વોર્ડ ભાજપને બિનહરીફ મળ્યો

ગાંધીધામ મનપામાં ખાતું ખુલ્યું : અંજારમાંયે ભાજપને ફાળે ત્રણ બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભુજ નગરપાલિકાનો 11મો વોર્ડ ભાજપે બિનહરીફ મેળવી લીધો છે. અગાઉ ત્રણ ઉમેદવાર બિનહરીફ થયા બાદ બાકી રહેતા ચોથા ઉમેદવાર કમલ ગઢવી પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

કચ્છની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામની ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલી ગયું છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના અન્ય પછાત વર્ગના જ્યોતિબેન દિનેશભાઈ માલી બિનહરીફ થઈ ગયાં છે. અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવાર સમયસર ફોર્મ ભરી શક્યાં ન હોવાથી ભાજપનું ખાતું ખુલ્યું છે. કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાનું ફોર્મ આઈસીડીએસ કચેરી ખાતે ભરવાનું હતું, તેના બદલે તેમણે ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે આપ્યું હતું.

આ તરફ અંજાર નગરપાલિકામાં ભાજપને ત્રણ બેઠક બિનહરીફ મળી છે. અન્ય કેટલીક બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

Panchang

dd