કોટડા (ચકાર), તા. 12 : શેખપીર ચોકડી નજીક આજે સવારે લાંબા સમય સુધી ટ્રાફિકજામની સ્થિતિ
સર્જાઈ હતી. ભુજ-ભચાઉ હાઈ-વે પર ચાલુ માર્ગ નિર્માણ કાર્યના કારણે વાહનોની અવરજવર ધીમી
પડી જતાં લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રાફિકજામ એટલો વધુ હતો કે અનેક વાહનચાલકોને લાંબા
સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડયું હતું. આ માર્ગ પર ખાસ કરીને ટ્રક, ટ્રેઈલર અને નાના વાહનો વચ્ચે અવરોધ સર્જાતાં
મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સ્થળ પર જોતાં રસ્તાની બાજુએ કાચા
માર્ગ પરથી વાહનો પસાર થતાં અત્યંત ધૂળ ઉડી હતી, જેના કારણે દૃશ્યતા
પણ ઓછી થઈ ગઈ હતી. બાઈકચાલકો અને નાના વાહનચાલકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઈ-વેનાં કામ દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગદર્શનના
અભાવે આવી પરિસ્થિતિ વારંવાર સર્જાય છે. સવારે કચેરી અને શાળા સમય દરમિયાન ટ્રાફિકજામથી
લોકો મોડા પડતા હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. લોકોએ તંત્રને અપીલ કરી છે કે, માર્ગ નિર્માણ કાર્ય દરમિયાન યોગ્ય દિશા-સૂચક
બોર્ડ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સમયબદ્ધ આયોજન કરવામાં આવે તેમજ
ધૂળ નિયંત્રણ માટે નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે, જેથી વાહનચાલકોને
રાહત મળી શકે.