ભુજ, તા. 12 : રાજ્યની સાથે કચ્છમાં સમયાંતરે
સર્જાયેલો માવઠાંનો માહોલ હવે પૂર્ણરૂપે વિખેરાતાં સૂર્યનારાયણે પોતાની આકરી અગનવર્ષા
વરસાવવાનું શરૂ કર્યું છે. રવિવારે રવિ એટલે સૂર્યની આકરી આણ કચ્છમાં વરસતાં જનજીવન
ત્રાહિમામ્ પોકારી ઊઠયું હતું. ભુજ અને કંડલા પોર્ટમાં 40.7 ડિગ્રી તાપમાને ચૈત્રના તાપનો
આકરો મિજાજ જોવા મળ્યો હતો. કંડલા એરપોર્ટ ક્ષેત્રમાં 40 અને નલિયામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે બે દિવસ ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી સાથે યલો એલર્ટ જારી કરી મહત્તમ
પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના
દેખાડી છે. રવિવારે સવારથી જ જિલ્લામાં તાપનું સામ્રાજ્ય સ્થાપિત થવાનું શરૂ થયું હોય
તેમ આભમાંથી અગનવર્ષા વરસવાની શરૂઆત થઈ હતી. ભુજ અને કંડલા પોર્ટ 40.7 ડિગ્રીએ રાજ્યનાં ત્રીજા નંબરનાં
ગરમ મથક બન્યાં હતાં. કંડલા પોર્ટમાં પારો ત્રણ ડિગ્રી ઊંચકાયો, તો નલિયામાં ચાર ડિગ્રીના વધારા સાથે પારો 39.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. કંડલા
એરપોર્ટ ક્ષેત્રમાં પારો 40 ડિગ્રીના આંકે સ્થિર રહ્યો હતો. રવિવારની રજાના માહોલનાં
પગલે ખાસ કરીને બપોરના સમયે લોકોએ બહાર નીકળવાનું ટાળતાં માર્ગો પર સન્નાટો જોવા મળ્યો
હતો. ગરમીથી બચવા માટે લોકોએ ટોપી, ચશ્માં જેવાં ગરમીરક્ષક સાધનોનો ઉપયોગ વધારવા સાથે તાપ સામે રક્ષણ મેળવવા વિવિધ
પીણાંનું સેવન કર્યું હતું. રાજ્યમાં કચ્છના
ત્રણ સહિત 10 શહેરમાં પારો
40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.
આખું અઠવાડિયું તાપની આણ યથાવત્ રહેવાની હવામાન વિભાગે સંભાવના દેખાડી છે.