• રવિવાર, 19 એપ્રિલ, 2026

વધુ બેઠકો બિનહરીફ કરવા છેલ્લી ઘડીના દાવપેચ તેજ

ભુજ, તા. 12 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 1328 સાથે કુલ 171 ફોર્મ ભરાયાં છે. દસેક બેઠક બિનહરીફ થયાના સત્તાપક્ષ ભાજપના દાવા વચ્ચે વધુ બેઠકો બિનહરીફ કરવા માટે છેલ્લી ઘડીના દાવપેંચ તેજ બનેલા જોવા મળી રહ્યા છે. સોમવારે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરાવાની છે, તેમાં અનેક વાંધાઓ સામે આવે તેવી શક્યતોઓ દેખાઈ રહી છે. બુધવાર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે બુધવારે આ ચૂંટણીજંગમાં કેટલા ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવશે તેનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.  ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે ભુજ નગરપાલિકામાં પાંચ, અંજાર અને નખત્રણા નગરપાલિકામાં બે-બે, તો માંડવી તાલુકા પંચાયતમાં એક બેઠક મળી 10 બેઠક બિનહરીફ કબજે કરી લીધાનો દાવો કર્યો છે. સોમવારે ફોર્મની ચકાસણી થશે તે પછી બુધવાર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે તે જોતાં હજુ બીજી બેઠકો બિનહરીફ થાય તેવી સંભાવનાઓને નકારાતી નથી.  - છેલ્લી ઘડીની સમજાવટનો દોર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહત્તમ બેઠકો બિનહરીફ કરવા માટે સત્તાપક્ષ ભાજપે વિશેષ રીતે એડીચોટીનું જોર લગાવ્યું છે, તો સામાપક્ષે કોંગ્રેસે હવે એક પણ બેઠક બિનહરીફ ન થાય અને ચૂંટણીજંગ જામે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ત્યારે બેઠકો બિનહરીફ કરવા છેલ્લી ઘડીની સમજાવટનો દોર હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે. - ફોર્મ ચકાસણી સમયે અનેક વાંધાઓ ઊઠશે  : સોમવારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભરાયેલાં ફોર્મની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે. ચકાસણીનું કાર્ય સંપન્ન થયા બાદ કેટલા ફોર્મ માન્ય રહ્યાં અને કેટલા અમાન્ય તેનો આંકડો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, ત્યારે ચકાસણીની કામગીરી સમયે અનેક વાંધાઓ ઊઠે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  - ભૂતકાળમાં અનેક તડજોડ થઈ ચૂકી છે : સ્થાનિક  સ્વરાજ્ય ચૂંટણીમાં આ પ્રકારના દાવપેંચ રચવા અને તડજોડ થવી એ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં આવા અનેક તડજોડના ઘટનાક્રમ ઘટી ચૂકયા છે. 200પમાં તો મુંદરા તાલુકા પંચાયતની સત્તા ચૂંટણી પહેલાં ભાજપે કબજે કરી લીધી હતી. - ત્રીજું પરિબળ આ વખતે પણ બિનઅસરકારક : આ વખતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામવાનો છે. અગાઉ એવું લાગતું હતું કે, ત્રીજું પરિબળ મહત્ત્વનો ભાગ આ ચૂંટણીમાં ભજવી શકે છે, પણ હાલની સ્થિતિ જેતાં આ વખતે ત્રીજું પરિબળ બિનઅસરકારક બનતું જોવા મળી રહ્યું છે. 

Panchang

dd