માંડવી, તા. 12 : અહીંની સંસ્થા `માંડવી જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ' દ્વારા દાતાના સહયોગથી નિ:શુલ્ક છાશ કેન્દ્ર
અને પાણીની પરબ ખુલ્લા મુકાયા હતા. આંબા બજાર (સોની બજાર)માં માંડવી ત્રણ ગચ્છ જૈન
સંઘ અને માંડવીના અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયૂરભાઈ શાહના પ્રમુખપદે તથા માંડવીના સેવામંડળના
પ્રમુખ અશોકભાઈ શાહ અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ શાહના અતિથિવિશેષ
પદે પાણીની પરબ ખુલ્લી મુકાઈ હતી. દાતા લહેરીકુમાર હિંમતલાલ શાહની પાંચમી પુણ્યતિથિ
નિમિત્તે પલ્લવીબેન લહેરીકુમાર શાહ તરફથી પાંચ મહિના માટે ઠંડાં પાણીની પરબ ખુલ્લી
મુકાઈ હતી. આઝાદ ચોકમાં જશુમતીબેન મણિલાલ વોરાના સ્મરણાર્થે દીપ્તિબેન ચેતનભાઈ વોરા
તરફથી માંડવીના જરૂરતમંદ 20 સાધર્મિક
પરિવારોને 12 મહિના સુધી દરરોજ એક-એક લિટર
નિ:શુલ્ક છાશ અપાનારા હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું. સંજયભાઈ
દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા)એ આભાર માન્યો હતો. પ્રમુખ સ્થાનેથી મયૂરભાઈ શાહે સંસ્થાની
સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. અશોકભાઈ શાહ,
પ્રકાશભાઈ અગરબત્તીવાલા ઉપસ્થિત રહ્યા હતા.અજિતભાઈ પટવા અને લહેરીભાઈ
એન. શાહે વ્યવસ્થા સંભાળી હતી.