ભુજ, તા. 12 : `આદિકાળમાં નારદજી પત્રકાર હતા...
સમાજ કચ્છમાં કચ્છમિત્રની આંખથી દુનિયાં જુએ છે.... કચ્છમિત્રની કલમથી સમજે છે. તમારું
કામ પ્રમાણિકતાવાળું છે એનો આનંદ છે.' આ શબ્દો સાથે સારંગપુરધામના મુખ્ય સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાવાળાએ કચ્છમિત્ર
ભવનની મુલાકાત દરમ્યાન સમગ્ર ટીમને બિરદાવી હતી. અજાણી ફાઉન્ડેશન અને રાબડિયા પરિવારના
ઉપક્રમે અહીં ટીન સિટી ગ્રાઉન્ડમાં આયોજિત શ્રી હનુમંત ચરિત્ર યુવા કથાથી હરિપ્રકાશદાસજીએ
ભારે ચાહના મેળવી છે. આજે સવારે તેમણે કચ્છમિત્ર ભવનની મુલાકાત દરમ્યાન જન્મભૂમિ પત્રો
અને કચ્છમિત્રની સમાજ ઉપયોગી કામગીરી જાણીને ખુશ થઇ ગયા હતા. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ
ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ તેમને આવકાર આપ્યો હતો. કથા સિવાય મૌન ધારણ કરતા સ્વામીજીએ
લખીને આપ્યું હતું કે, આપ જેવા સારા પોઝિટિવ સમાચારપત્રોને કારણે
કચ્છ સમૃદ્ધ બની રહ્યું છે. તમારું કામ બહુ સુંદર અને લોકકલ્યાણનું, જનજાગૃતિનું છે, અદ્ભૂત કામ કરો છો. હનુમાનજી દાદા કચ્છમિત્રની
શ્રેષ્ઠતા જાળવી રાખે એવી પ્રાર્થના. અજાણી ફાઉન્ડેશનના અનિલભાઇ અજાણી ઉપરાંત કીર્તનસાગરજી
સ્વામી અને નીલકંઠસ્વરૂપદાસજી સ્વામી તેમની સાથે રહ્યા હતા.