• શનિવાર, 14 માર્ચ, 2026

આદિપુરથી ગાંધીધામના ધોરીમાર્ગને જોડતો 10 કિમીનો ગ્રીન રિંગરોડ

ગાંધીધામ, તા. 12 : અંજારથી આવતા આદિપુરનાં ઓમ મંદિર થઈને ગાંધીધામના રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતો લગભગ 10 કિલોમીટરનો રિંગરોડ બનાવવાની તજવીજ શરૂ કરી છે. લગભગ 135 કરોડના ખર્ચે અહીં ચાર માર્ગીય રોડ, પાણી નિકાલની વ્યવસ્થા તથા યુટિલિટી લાઈનો નાખવા સહિતનું આયોજન ઘડી રહ્યું છે. અહીં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન લોકો અધિકારીઓને પૂછી રહ્યા હતા, ત્યારે આધુનિક રોડ બનાવવાનું આયોજન ઘડાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાની ગ્રીન રિંગરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં હાલના સમય 100 કરોડથી વધુના ખર્ચે નવા માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે તથા જે બિસમાર માર્ગો છે, તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અનેક રસ્તાનાં કામો થઈ રહ્યાં છે અને હવે ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોની ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવા અને ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે રિંગરોડ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંજાર, આદિપુર અને ગાંધીધામના અલગ અલગ વિસ્તારોમાંથી જે વાહનચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા તો ભચાઉ તરફ જવું હોય, તો તેમણે શહેરમાં પ્રવેશ ન કરવો પડે અને ટ્રાફિક સમસ્યા વગર સીધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી પહોંચી શકે તે માટે આ રિંગરોડ અતિ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા હાલના સમય રિંગરોડ બનાવવાનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. આદિપુર ઓમ મંદિરથી લઈને લીલાશાહ ફાટક તથા જુમાપીર ફાટક થઈને ગોપાલપુર રેલવે સ્ટેશન અને ખોડિયારનગરથી સીધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી પહોંચી શકાય તે માટે  135 કરોડથી વધુના ખર્ચે ચાર માર્ગીય રિંગરોડ બનાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. અહીં પાણી નિકાલની વ્યવસ્થા માટે સ્ટ્રોમ વોટર ડ્રેઇન, યુટીલિટી લાઈનો તથા હરિયાળી માટેની કામગીરી કરવામાં આવશે. જો કે, કરોડો રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન છે એટલે સરકારમાંથી રૂપિયા આવે તે પણ જરૂરી છે ને એના માટે જ હાલના સમય વહીવટીતંત્ર મથામણ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા નવા ગોપાલપુરી રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે, ત્યારે 80 ફૂટના આ માર્ગના નિર્માણથી ગોપાલપુરી રેલવે સ્ટેશન જવા આવવામાં પ્રવાસીઓને સારી સુવિધા મળી રહેશે. - માર્ગની મુખ્ય વિશેષતાઓ : 80 ફૂટ પહોળાઈનો સીસીરોડ બનાવવા છે, જે શહેરના વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત અને ઝડપી પરિવહન  સુવિધા ઉપલબ્ધ બનશે. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે બંને બાજુ સ્ટ્રોંમ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવાશે. ભવિષ્યમાં વીજળી, ટેલિકોમ સેવાઓની લાઈનો સરળતાથી સ્થાપિત કરી શકાય તે માટે યુટિલિટી ડ્રેનનું નિર્માણ કરાશે. પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે માર્ગની બંને બાજુએ ફૂટપાથ બનાવાશે. - ગાંધીધામને  વધુ એક આધુનિક માર્ગની ભેટ : ધારાસભ્ય : ગાંધીધામ, તા. 12 : રાજ્ય સરકાર દ્વારા 135 કરોડના ખર્ચે રિંગરોડ બનાવાને મંજૂરી આપાતાં આદિપુર-ગાંધીધામના  વાહનવ્યવહાર માટે  ટાગોર રોડ સમાન વધુ એક માર્ગને સુવિધા મળશે તેવું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું. તેમણે ગ્રીન  રિંગરોડના પ્રકલ્પ માટે 135 કરોડની રકમ ફાળવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ  પ્ર્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

Panchang

dd