માતાના મઢ, તા. 12 : અમેરિકા-ઈઝરાયેલના ઈરાનના યુદ્ધની
અસર હવે ભારતના રાંધણગેસ પર પડી રહી છે. રાંધણગેસના કોમર્શિયલ સિલન્ડરનું વિતરણ કચ્છ
સહિત સમગ્ર ભારત બંધ થયું છે. રેસ્ટોરેન્ટ, લોજ, હાઈવે ધાબા સહિતના ધંધાર્થીઓ પર માઠી અસર પડી રહી
છે, તેવા વિકટ સમયમાં માતાના મઢનાં અન્નક્ષેત્ર પર કોઈ પણ અસર
થશે નહી. દેશદેવી મા આશાપુરાજીનું પ્રસાદ ભોજન અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓને અવિરત મળી
રહેશે તેવી જાહેરાત કરાઈ હતી. માતાના મઢ જાગીર ટ્રસ્ટ અન્નક્ષેત્રનાં રસોડાંમાં રાંધણગેસ
તથા કેરોસીન-ડીઝલથી ચાલતા ચૂલાઓની વ્યવસ્થા વર્ષોથી છે. જેમાં પાંચ જેટલા મોટા ચૂલા
ગેસથી ચાલી રહ્યા છે અને કેરોસીન તથા ડીઝલથી
ચાલતા ચૂલાઓની સંખ્યા 16ની છે. આસો
નવરાત્રિ સહિત વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદનો
લાભ લઈ રહ્યા છે. અને આવનારા સમયમાં પણ મઢ જાગીરનું અન્નક્ષેત્ર અવિરત ચાલુ રહેશે તેવું આયોજન છે. 18 માર્ચે ચૈત્રી નવરાત્રિની ઘટસ્થાપન
વિધિ મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પરંપરા મુજબ થશે. 19 માર્ચના પ્રથમ નવરાત્રિનો પ્રારંભ
જ્યારે ચૈત્ર સુદ સાતમ તા. 25/3ના રાત્રે
8.30 વાગ્યે સપ્તમી હવનનો પ્રારંભ
થયા બાદ રાત્રિના 12.15 વાગ્યે (શ્રીફળ હોમ) બીડું
હોમાશે. હવનની રાત્રિએ આખી રાત માટે મંદિરના કપાટ ખુલ્લા રહેશે. દર્શનાર્થીઓને માતાજીનાં
દર્શનનો લાભ મળશે. દર વર્ષની જેમ આ વર્ષની ચૈત્રી નવરાત્રિમાં હજારોની સંખ્યામાં માઈભક્તો
દર્શને આવશ, તેની મંદિરના ભુવા તિલાટ
પરિવાર તથા મંદિર સ્ટાફ તરફથી તૈયારીઓ કરાઈ છે. ચૈત્રી નવરાત્રિમાં ગરબી માત્ર માતાના
મઢમાં થાય છે. ચૈત્રી નવરાત્રિમાં સેંકડોની સંખ્યામાં પદયાત્રી તથા હજારોની સંખ્યામાં
દર્શનાર્થીઓ માતાજીની ગરબીમાં ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે.