પ્રકાશ જ્હા દ્વારા : ગાંધીનગર, તા. 24 : અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા દ્વારા નખત્રાણા-નારાયણ સરોવર માર્ગ ફોરલેન
બનાવવા અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું
હતું કે, તા. 31/12/2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમિયાન નખત્રાણા-નારાયણ સરોવર માર્ગને
ફોરલેન બનાવવા માટે રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી છે અને કામગીરી હાલ જમીન સંપાદન
તથા ફોરેસ્ટ ક્લિયરન્સની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીર દ્વારા કચ્છ જિલ્લામાં ખાનગી બંદરના
વિકાસકાર પાસેથી વોટરફ્રન્ટ રોયલ્ટી રકમ વસૂલવા અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તા. 31/12/2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ
દરમિયાન કચ્છ જિલ્લામાં એક ખાનગી બંદરના વિકાસકાર દ્વારા વોટરફ્રન્ટ રોયલ્ટી પેટે રૂા.
811.11 કરોડની રકમ સરકારમાં ભરપાઈ
કરવામાં આવી છે. ઉક્ત સ્થિતિએ ઇસ્યૂ કરવામાં આવેલા બિલો મુજબ કોઈ પણ વિકાસકાર પાસેથી
કોઈ રકમ વસૂલાત બાકી નથી. વસૂલાત બાકી ન હોવાને કારણે ક્યાં સુધીમાં વસૂલાત કરવામાં
આવશે? એવો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં
ગરેકાયદે ખનન અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,
તા. 31/12/2025ની
સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમિયાન ખાણ-ખનિજ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં
ગેરકાયદેસર ખનન સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 88 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉક્ત ફરિયાદોના અનુસંધાને બંને જિલ્લામાં કોઈ પણ લીઝ પરવાના રદ કરવામાં આવી નથી. કચ્છ જિલ્લામાં 28 વાહન તથા અંદાજે રૂા. 688 લાખની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઇલાલ દવે દ્વારા કચ્છ
જિલ્લામાં બનાવવામાં આવેલ ચેકડેમ અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં જળસંપત્તિ મંત્રીએ
જણાવ્યું હતું કે, તા. 31/12/2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ
દરમિયાન કચ્છ જિલ્લામાં કુલ 80 નવા ચેકડેમ
બાંધવામાં આવ્યા છે. આ નવા ચેકડેમોના નિર્માણથી અંદાજે 42.97 એમ.સી.એફ.ટી. જેટલી પાણી સંગ્રહ
ક્ષમતા ઊભી થઈ છે, જે નવા ચેકડેમોના
બાંધકામ માટે કુલ રૂા. 1147.77 લાખનો
ખર્ચ કરવામાં આવ્યો છે.