ભુજ, તા. 24 : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ
અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના
ગુજરાતી વિભાગ તથા હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આગામી 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારના એક દિવસીય રાષ્ટ્રીય
પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદનો મુખ્ય વિષય `ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય' રાખવામાં આવ્યો છે. સેમિનારનું ઉદ્ઘાટન સવારે
9:30 કલાકે યુનિવર્સિટીના કોર્ટ
હોલ ખાતે થશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ
ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઈ
ચાવડા વિશેષ ઉપસ્થિતિ આપશે. આ દિવસે દુલેરાય
કારણીજીની જન્મ જયંતી હોવાથી સવારે 9 કલાકે ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં
આવશે. જાણીતા વિદ્વાન ગૌતમ પટેલ `સંસ્કૃત સાહિત્ય અને ભારતીય જ્ઞાન પરંપરાનો
સમન્વય' વિષય પર બીજરૂપ વકતવ્ય રજૂ કરશે. પરિસંવાદના
પ્રથમ સત્રમાં એસ.પી. યુનિવર્સિટીના ડો. સુધા ચૌહાણ અને એમ.એસ. યુનિવર્સિટીના ડો. દીપેન્દ્રાસિંહ
જાડેજા અનુક્રમે ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં ભારતીય જ્ઞાન પરંપરાના પ્રદાન વિશે
વાત કરશે. દ્વિતીય સત્રમાં જયંતી જોષી `શબાબ' કચ્છી
સાહિત્યમાં ભારતીય જ્ઞાન પરંપરા વિશે વાત કરશે અને સમાપન સત્રમાં કાનજી મહેશ્વરી મામઇ
દેવની વાણી અને જ્ઞાન પરંપરા પર પ્રકાશ પાડશે. આ દરમિયાન સંશોધકો દ્વારા શોધપત્ર વાંચન
પણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર,
સંયોજક ડો. કાશ્મીરા મહેતા, ડો. કે.એમ. ત્રિવેદી
અને ડો. પંકજ ઠાકર તથા સમગ્ર આયોજન સમિતિ જહેમત ઉઠાવી રહી છે.