ભુજ, તા. 4 : કચ્છ યુનિવર્સિટી અને ટ્રાન્સવર્લ્ડ
ફર્ટિકેમ લિમિટેડ-કંડલા વચ્ચે ખાતર ઉપર કોટિંગ અંગે સંશોધન કરવા માટે એક મહત્ત્વપૂર્ણ
કરાર થયો છે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ ખાતરના હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન
થતી ધૂળના કારણે થતાં નુકસાનને ઘટાડી અને જમીનમાં ખાતરના થતા વ્યયને અટકાવવો તે છે.
આ ડસ્ટિંગના કારણે માણસોને સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ ખરાબ અસર પડે છે. ખાતર ઉપર કોટિંગ
મટિરિયલના સંશોધનથી ન માત્ર ખાતરના હેન્ડલિંગ ખર્ચમાં ઘટાડો થશે, પરંતુ માટીમાં નાઈટ્રેટ અને ફોસ્ફેટના પ્રમાણને
નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે, જેના પરિણામે ખેડૂતોને મોટા પ્રમાણમાં
ખાતરનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. આ રીતે ખેડૂતો દ્વારા ખાતરના ઉપયોગમાં ઘટાડાથી
સરકાર દ્વારા ખાતર માટે આપવી પડતી સબસિડીમાં નોંધપાત્ર બચત થશે, આ સંશોધન પ્રોજેક્ટથી ખેડૂતોને વધુ અસરકારક અને આર્થિક રીતે સસ્તી ખેતી કરવાની
તક મળશે. આ અભિગમને કારણે સમગ્ર દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે અને
દેશના અર્થતંત્રમાં પણ સુધારો લાવવા માટે એક મહત્ત્વની પાયાની રચના કરશે. નોંધનીય છે
કે, 2025-26ના બજેટમાં યુરિયા સબસિડીઓ
માટે રૂા. 1.19 ટ્રિલિયનની ફાળવણી કરવામાં
આવી છે, જેનું મૂલ્ય રૂા. 1.68 લાખ કરોડ થાય છે. આ સબસિડીઓ
યુરિયાના ભાવને સ્થિર રાખવામાં મદદ કરે છે.આ સંશોધનમાં મુખ્ય સંશોધક તરીકે ડો. વિજયકુમાર
આર. રામ, એસોસીએટ પ્રોફેસર, રસાયણશાત્ર
વિભાગ છે. સંશોધન માટે જરૂરી કેમિકલ્સ, ગ્લાસવેર, પૃથક્કરણ, પેટન્ટ ફાઈલિંગ વગેરે માટેનો ખર્ચ ટ્રાન્સવર્લ્ડ
ફર્ટિકેમ લિમિટેડ-કંડલા દ્વારા આપવામાં આવશે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ ગ્રેન્યુલ સિંગલ
સુપર ફોસ્ફેટ માટે એક કોટિંગ સામગ્રી વિકસાવવાનો છે. આ સંશોધન કરારની સાથે કચ્છ યુનિવર્સિટીના
વિદ્યાર્થીઓને નવી તક અને ઉદ્યોગ સાથેનો સહકાર પ્રાપ્ત થશે. આ કરાર કરવા દરમ્યાન કચ્છ
યુનિવર્સિટીના આર. એન્ડ ડી. ડિપાર્ટમેન્ટમાંથી ડો. ગૌરવ ચૌહાણે હાજરી આપી હતી. ટ્રાન્સવર્લ્ડ
ફર્ટિકેમ લિમિટેડ-કંડલા વતી પીયૂષ ચંદે અને
હિરેન વોરા હાજર રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર અને કુલપતિ ડો.
મોહનભાઈ પટેલે અભિનંદન પાઠવ્યાં હતાં. કુલપતિએ કચ્છ વિસ્તારમાંથી કાચો માલ બહાર દેશ
અને વિદેશમાં જાય છે, તેને બદલે કચ્છમાં જ પ્રોસેસ થઈ અને ફાઈનલ
પ્રોડક્ટ બને અને માર્કેટમાં જાય તેવા સંશોધન કરવા પણ ભાર મૂક્યો હતો.