નિરોણા (પાવરપટ્ટી), તા. 15 : છેલ્લાં કેટલાંક
વર્ષોથી પાવરપટ્ટીના ડુંગરાળ વિસ્તારમાં આવેલા મામૈદેવ - કડિયા ધ્રો પ્રવાસીઓ માટે
ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોવાથી સ્થળે પહોંચવા નિરોણા અને મેડીસરથી જતાં રસ્તા
વચ્ચે વર્ષોથી પાણીથી ભરાઇ રહેતા ખાડાએ મોટું જોખમ ઊભું કર્યું છે. અવારનવારની રજૂઆતો
છતાંય જોખમ બાબતે આજ સુધી કોઇ કાયમી કાર્યવાહી હાથ નહીં ધરાતાં મોટી સંખ્યામાં ઊમટતા
પ્રવાસીઓ અને આ રસ્તા સાથે સંકળાયેલા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. નિરોણા ડેમના
ઉપરવાસના નદીપટમાં રંગીન પથ્થરોથી કોતરાયેલા કડિયા ધ્રોએ પ્રકૃતિપ્રેમીઓ માટે ખૂબ જ
આકર્ષણ જમાવ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સ્થળે પહોંચવા દેશ - વિદેશના સહેલાણીઓમાં
ઉત્તરોત્તર વધારો થયો છે. અહીં પહોંચવા ભુજથી કોડકી,
કમાગુના થઇને એક રસ્તો નીકળે છે, જ્યારે બીજો રસ્તો
ભુજથી નિરોણા વાયા મેડીસર થઇને જાય છે. મેડીસરથી આગળ ડુંગરોની કોતરો વચ્ચેથી નીકળતા
રસ્તાની વચ્ચોવચ છેલ્લાં ઘણાં વર્ષોથી ડેમનાં ઝરતાં પાણીને લઇ મોટો પડી ગયેલો ખાડે
પાણીથી ભરાયેલો છે. આ જોખમનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી. માર્ગ-મકાન વિભાગે
આ ખાડામાં એકાદ વાર કાંકરી નાખેલી હતી, પરંતુ સતત ઝરતાં પાણી
અને ચાલુ વાહન વ્યવહાર લઈ એ કાંકરી નીકળી જતાં ખાડો એ જ હાલતમાં વધુ જોખમી બન્યો છે.
મેડીસરના અગ્રણી ભોજુભા જાડેજાના જણાવ્યા મુજબ બે દિવસ પહેલાં જ દ્વિચક્રી વાહન પર
નાનાં બાળક સાથે નીકળેલાં પતિ - પત્ની આ ખાડામાં અકસ્માતે પડી ગયાં હતાં. સદ્ભાગ્યે
એ જ સમયે પાછળથી આવતા એક વાહનચાલકે તાબડતોબ ખાડામાંથી બાળક અને પરિવારને પાણીમાંથી
બહાર કાઢયો હતો.