નવી દિલ્હી, તા. 16 : દુનિયાભરમાં
ખ્રિસ્તીઓની વૈશ્વિક આબાદી ઘટી રહી છે. આ ખુલાસો રિપોર્ટમાં થયો છે. પ્યૂ પેમ્પલટન
ગ્લોબલ રિલિજિયસ ફ્યૂચર્સ પ્રોજેક્ટના રિપોર્ટ અનુસાર ખ્રિસ્તી ધર્મ હજી પણ
દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. જો કે તેની વૈશ્વિક ભાગીદારીમાં ઘટાડો આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર ઈસાઈ ધર્મનું
કેન્દ્ર યૂરોપ અને અમરિકાથી હટીને આફ્રિકા તરફ આગળ વધી રહ્યું છે. રિપોર્ટ 201 દેશ અને ક્ષેત્રોમા 2700થી
વધારે જનગણના અને સરવે આધારીત છે. રિપોર્ટના આંકડાની વાત કરવામાં આવે તો 2020 સુધી
દુનિયામાં લગભગ 2.3 અબજ લોકો, એટલે કે 28.8 ટકા
આબાદી પોતાને ઈસાઈ માનતી હતી. આ પહેલા 2010થી 2020 વચ્ચે
ઈસાઈની સંખ્યા 2.1 અબજથી વધીને 2.3 અબજ
થઈ હતી. જો કે બાદમાં વૈશ્વિક આબાદી અને ખ્રિસ્તી સિવાયના લોકોની સંખ્યા વધતા ઈસાઈ
ભાગીદારી 31 ટકાથી ઘટીને 28.8 ટકા થઈ હતી. રિપોર્ટમાં ખ્રિસ્તી
ધર્મની ઘટતી આબાદી પાછળ ઓછો થતો જન્મ દર,
ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિને પ્રમુખ કારણ બતાવવામાં આવ્યા છે. તેમાં
મોટાભાગના ખ્રિસ્તીઓ કે જેણે ધર્મ પરિવર્તન કર્યું છે તેઓ અન્ય કોઈ ધર્મમાં જોડાયા
નથી. એક રીતે નાસ્તિક બન્યા છે. જો ભૌગોલિક બદલાવની વાત કરવામાં આવે તો યુરોપમાં
ઈસાઈની સંખ્યા ઘટીને 50 કરોડ રહી છે. જે 9 ટકાનો
ઘટાડો બતાવે છે. ઉત્તર અમેરિકામાં પણ સંખ્યા ઘટીને 23 કરોડ થઈ છે. જ્યારે ઉપ સહારા
આફ્રિકામાં સંખ્યા 31 ટકા વધીને 69 ટકા થઈ છે. વૈશ્વિક રિપોર્ટ
અનુસાર દુનિયામાં 2020 સુધીમાં 28.8 ટકા લોકો ખ્રિસ્તી અને 25.6 ટકા
આબાદી મુસ્લિમ છે. 24.2 ટકા લોકો કોઈ ધર્મમાં માનતા નથી. જ્યારે
હિંદુઓની વૈશ્વિક આબાદીમાં ભાગીદારી 14.9 ટકા છે.