મુંદરા, તા. 16 : મુંદરા
તા.માં ઔદ્યોગિક વિકાસને પગલે અન્ય રાજ્યો-જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે, ગીચતા અને ટ્રાફિક સમસ્યા પોલીસ તંત્રમાં નવી ભરતીઓ છતાં ઠેરની ઠેર છે,
ત્યારે શહેરમાં પેટ્રાલિંગ વધારવા સહિત સુરક્ષાનાં પગલાં ભરવા કોંગ્રેસે
માંગ કરી હતી. આજે મુંદરા પીઆઇને સંબોધીને પાઠવાયેલા પત્રમાં જણાવાયું કે, બારોઈ રોડ પર દિન-દહાડે જ્વેલર્સ દુકાનમાં લૂંટ જેવી ઘટના બનવા પામી છે. પોલીસ
ચોકી 24 કલાક કાર્યરત રહે તેમજ દોષિતોને
તાત્કાલિક સજા આપવામાં આવે તેવી માંગ છે. મુંદરા શહેરમાં દેશી-અંગ્રેજી દારૂઓની હાટડીઓ, જુગાર રમાડતા અડ્ડાઓ રાત-દિવસ ચાલુ છે. જે પ્રજાને દેખાય છે, પણ પોલીસતંત્રને દેખાતું નથી તેમજ મુંદરા શહેર મેઇન બજારમાં રોડ હદમાં ઊભતી
રેંકડીઓનું નિરાકરણ લાવવું જરૂરી છે. વધુમાં મુંદરા ડાકબંગલા રોડ, જેરામસર તળાવ, બસ સ્ટેશન રોડ, બારોઈ
રોડ, આદર્શ ટાવર વગેરે રોડ પર રોજ ટ્રાફિક જામ પ્રશ્ન હોવાનું
પત્રમાં ઉમેરી તેનાં ઉકેલની માગણી કરાઈ હતી.
આ રજૂઆતમાં શહેર કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા, મુંદરા તા. કોંગ્રેસ પ્રમુખ વીરમ સાંખરા, સુધરાઇ વિપક્ષી
નેતા ઇમરાન જત, તા. પં. વિપક્ષી નેતા નવીન ફફલ સહિત મોટી સંખ્યામાં
નેતાઓ કાર્યકરો જોડાયા હતા.