પલ્લેકેલ્લે, તા. 16 : ત્રણ
દિવસ પહેલાં ઝિમ્બાબ્વે સામે નાલેશીભરી હાર ખમનાર ઓસ્ટ્રેલિયાને આજે શ્રીલંકાએ 8 વિકેટે
સજ્જડ પરાજય આપીને સુપર એઇટ ગ્રુપમાં દમામભેર પ્રવેશ કરી લીધો છે. બીજીતરફ મજબૂત
ઓસ્ટ્રેલિયા સ્પર્ધાની બહાર ફેંકાઇ જવાના આરે છે. તેનું ભવિષ્ય આવતીકાલે
આયર્લેન્ડ-ઝિમ્બાબ્વે મેચના પરિણામ ઉપર નિર્ભર છે. ઝિમ્બાબ્વે સામે કાલે જીતીને
સુપર એઇટનો ચમત્કાર કરવાની તક છે. દરમ્યાન,
પથુમ નિશંકાએ આ વિશ્વકપની પ્રથમ સદી ફટકારીને ટાપુ રાષ્ટ્રને આનંદના
સાગરમાં હિલોળતો કરી દીધો હતો. નિશંકાએ બાવન બોલમાં 100 (અણનમ)
રન 10 ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ
પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 181 રન
કર્યા હતા. કેપ્ટન માર્શ અને ટ્રેવિસ હેડે પહેલા 50 બોલમાં 104 રન
કરીને રનનું રમખાણ મચાવ્યું હતું. સ્ટેડિયમમાં સન્નાટો હતો પણ પાછળથી શાનદાર સ્પિન
બોલિંગ અને ફિલ્ડિંગે બાજી ફેરવી હતી. છેલ્લી 10 વિકેટ 70 બોલમાં
77 રનના
ઉમેરામાં પડી ગઇ હતી. નિશંકા મેન ઓફ ધ મેચ થયો હતો. કુશલ મેન્ડિસે 51(36) અને
પવન રત્નાયકે (15 દડામાં 28 રન) સાથે અણનમ રહ્યો હતો.
શ્રીલંકાએ 18 ઓવરમાં જ બે વિકેટે લક્ષ્ય આંબી લીધું હતું. નિસંકા અને કુશલ
મેન્ડિસ વચ્ચે બીજી વિકેટમાં 97 રનની ભાગીદારી થઇ હતી. મેન્ડિસે 38 દડામાં
પ1 રન
કર્યા હતા. આ પછી પવન રત્નાયકે 28 રને અણનમ રહ્યો હતો અને નિશંકા
સાથે 34 દડામાં 79 રનની અતૂટ ભાગીદારી કરી હતી. આથી
શ્રીલંકાએ 18 ઓવરમાં 2 વિકેટે 184 રન
કરી 8 વિકેટે ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. બન્ને વિકેટ સ્ટોઇનિસને
મળી હતી. અગાઉ ઓસ્ટ્રેલિયાએ આક્રમક શરૂઆત કરી હતી. પહેલી વિકેટમાં કેપ્ટન મિચેલ
માર્શ અને ફટકાબાજ ટ્રેવિસ હેડ વચ્ચે પ1 દડામાં 104 રનની
જોરદાર ભાગીદારી થઇ હતી. આથી કાંગારુ ટીમ 230 સ્કોર સુધી પહોંચશે તેવી ગણતરી
થઇ રહી હતી. જો કે, ઈનિંગ્સના બીજા હાફમાં શ્રીલંકન બોલર્સના કાઉન્ટર એટેકથી ઓસ્ટ્રેલિયા ટીમ 20 ઓવરમાં
ઓલઆઉટ થઇ હતી અને 181 રનના સ્કોર પર અટકી ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ
10 વિકેટ
11.3 ઓવરમાં 77 રનમાં ગુમાવી હતી. ટી-20 વર્લ્ડ
કપની શરૂઆતની બે મેચ ગુમાવનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે 27 દડામાં
8 ચોગ્ગા-2 છગ્ગા
સાથે આક્રમક પ4 રન અને ટ્રેવિસ હેડે 29 દડામાં 7 ચોગ્ગા-3 છગ્ગા
સાથે ઝડપી પ6 રન કર્યા હતા. આ બેના આઉટ થયા પછી ઓસિ. ટીમ ફસકી પડી હતી.
જોશ ઇંગ્લિશે 27 અને ગ્લેન મેકસવેલે 22 રનનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ આખરી પ વિકેટ 7 રનમાં ગુમાવી હતી. શ્રીલંકા
તરફથી દુશાન હેમંથાએ 3 વિકેટ લીધી હતી. દુષ્મંતા
ચમિરાને 2 વિકેટ મળી હતી. તેણે આખરી ઓવરમાં ફકત 4 રનનો
ખર્ચ કર્યો હતો. આ દરમિયાન ઓસિ.એ 3 વિકેટ ગુમાવી હતી. જેમાં બે રન
આઉટ હતા.