• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પુંઅરેશ્વર મંદિરની પુન:નિર્માણ ગાથા હજુય અધૂરી

વિથોણ (તા. નખત્રાણા), તા. 16 : ભૂકંપના અઢી દાયકા પછી પણ પૌરાણિક પુંઅરેશ્વર મંદિર નિર્માણકાર્ય અધૂરું હોવાથી ભાવિકોમાં નારાજગી ફેલાઇ  રહી છે. ભુજ-નખત્રાણા હાઇવે ઉપર આવેલું પુંઅરેશ્વર મહાદેવ મંદિરનું કામ પાછલા 22 વર્ષથી હાથ ધરાયું છે, પણ મંદિરનું કામ અડધું પણ થયું નથી. લાખાડીના ભાવિકો મંદિરનિર્માણ કાર્યથી નારાજ થયા છે. મંદિરના પૂજારી પ્ર્રવીણગિરિએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ પૌરાણિક મંદિરે દર વર્ષે મહાશિવરાત્રિએ મેળો ભરાય છે. જ્યાં દૂર-દૂરથી શિવભક્તો માથું ટેકવવા આવે છે અને મંદિરની હાલત જોઇ દુ:ખ વ્યક્ત કરે છે. ભૂકંપના 25 વર્ષમાં આખા કચ્છનો વિકાસ થયો. શહેરો બની ગયાં, યાત્રાધામોનો વિકાસ થયો. નારાયણ સરોવર-કોટેશ્વર મહાદેવ, માતાના મઢ વિગેરે નીર્થસ્થળો વિકસિત બન્યા છે, પરંતુ પુંઅરેશ્વર મંદિરની લક્ષ્મણરેખા કોઇ ઓળંગી શક્યું નથી. લાખાડીના ક્ષત્રિય આગેવાન અરવિંદસિંહના જણાવ્યા મુજબ શું આ મંદિર કેન્દ્ર સરકારના હાથમાં છે ? કે પછી પુરાતત્ત્વ વિભાગના હાથમાં કે જિલ્લા વહીવટી તંત્રના હાથમાં છે તે સમજાતું નથી. મંદિર નવનિર્માણ કરવાની કોઇની પાસે વિગતો પણ નથી. મંદિરની આસ્થા સાથે હજારો ભાવિકો જોડાયેલા છે. ઉપરાંત દેવપર, વિથોણ, ધાવડા, સુખસાણ, સાંયરા (યક્ષ), મોરગર, આણંદપર, પલીવાડ, લાખાડી, મંજલ, તરા, નાની મંજલ વિગેરે ગામના ભાવિકોનું પુંઅરેશ્વર મંદિર આસ્થાનું પ્રતીક છે, પરંતુ મંદિરનાં પુન:નિર્માણના અધૂરાં કામથી ભાવિકોને ખેદ પહોંચ્યો છે. માત્ર પથ્થરોની ગોઠવણીથી બનેલું પૌરાણિક મંદિર એક અજાયબી સમાન છે. રસ્તેથી પસાર થતા વાહનચાલક યાત્રાળુઓ અને કલા અને સંસ્કૃતિપ્રેમીઓ દર્શન માટે અને અજાયબી જોવા વાહનો ઊભાં રાખીને મંદિર પ્રાંગણમાં અચૂક આવે છે. પુંઅરેશ્વર મંદિર પંથકની ધરોહર છે, તેવું ભાવિકોએ જણાવ્યું છે.

Panchang

dd