ગાંધીધામ, તા. 13 : કંડલા કસ્ટમ દ્વારા ઐતિહાસિક
લખપત કિલ્લા, પંચાયત અને ગુરુદ્વારા
ખાતે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ તથા શાળાનાં બાળકોને શૈક્ષણિક
કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પર્યાવરણીય સંરક્ષણ સાથે સ્વચ્છતા તથા સમાજકલ્યાણ
પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં લખપતનાં જૂનાં કસ્ટમ હાઉસ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં
આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત અમદાવાદ કસ્ટમ
ઝોનના ચીફ કમિશનર પ્રણેશ પાઠકે આ અભિયાન સ્વચ્છ ભારત મિશન પ્રત્યે વિભાગની પ્રતિબદ્ધતા
અને સામાજિક સુખાકારીમાં યોગદાન આપવાના તેના પ્રયાસો પર ભાર મૂકે છે તેમ જણાવ્યું હતું.
સરકારી શાળાની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને શૈક્ષણિક
કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી શાળાના
વિદ્યાર્થીઓ સાથે ચીફ કમિશનરે સંવાદ કરી સ્વચ્છતા અને પર્યાવરણીય સંરક્ષણ અંગે ભાર
મૂક્યો હતો. જૂનાં કસ્ટમ હાઉસ ખાતે સ્વચ્છતા અભિયાન સાથે પંચાયત પરિસરમાં વૃક્ષારોપણ
કરવામાં આવ્યું હતું, જેમાં કસ્ટમના અધિકારીઓ, સ્થાનિક સ્વયંસેવકો, જુદા જુદા સામાજિક અગ્રણીઓ,
કંડલા કસ્ટમ કમિશનર એમ. મોહનરાવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન લખપતનાં ગુરુદ્વારા
ખાતે મુલાકાતીઓ, શ્રદ્ધાળુઓ માટે વોટર કૂલર અર્પણ કરવામાં આવ્યું
હતું. ચીફ કમિશનરે કંડલા કસ્ટમના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને પર્યાવરણીય સંરક્ષણની
સાથે સ્વચ્છ, સ્વસ્થ સમાજને
પ્રોત્સાહન આપવા માટે આવી પહેલનાં મહત્ત્વ પર પ્રકાશ પાડયો હતો. કંડલા કસ્ટમના
અધિકારીઓએ આભારવિધિ કરી તમામ કાર્યક્રમોમાં સહકાર આપવા બદલ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો
હતો.