મુંદરા, તા. 25 : વિતેલા સમયમાં કેટલાક સ્થાને વરસાદનું પ્રમાણ વધુ રહેતાં તેમજ
કયાંક કમોસમી ઝાપટાંના બનાવો વચ્ચે ખાસ કરીને ખારેકમાં લાલ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે,
ત્યારે કિસાનોને જાગૃત કરવા મુંદરા ખાતે આવેલા સરદાર કૃષિનગર દાંતીવાડા
કૃષિ યુનિવર્સિટી હસ્તકનાં ખારેક સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં તાલુકાનાં ગામડાંઓમાં
રાત્રિ સભાઓ યોજાઈ હતી, જેમાં 80થી 100 જેટલા ખેડૂત જોડાયા હતા. આ તબક્કે સંશોધકોએ પાકનાં નુકસાનને
અટકાવવા માટે આગોતરી સાવચેતી પર ભાર મૂક્યો હતો. પાકને નુકસાન કરતી લાલ સુંઢિયા જીવાત
વિશે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવા તાલુકાના ચારણ સમાજવાડી, ઝરપરા, મોટી ભુજપુર ગ્રામ
પંચાયત તથા બોરાણા, સમાઘોઘા, નવીનાળ વાડી
વિસ્તાર ખાતે વિશેષ રાત્રિ સભાઓ યોજાઈ હતી. ખારેક સંશોધન કેન્દ્રના દેવશીભાઈ બૈડિયાવદરા,
મિતેશ ધારવા, ડો. ભાર્ગવ ગોળકિયા, અશોક ગોદાવરિયા, હીરાભાઈ ચૌધરી, અશોક ચૌધરીએ લાલ સુંઢિયાથી થતાં નુકસાન, લાલ સુંઢિયાનું જીવનચક્ર અને એ વધુ
નુકસાન કરે તે પહેલાં શું કાળજી લેવી જોઈએ તે અંગે ખારેકના ખેડૂતોને માહિતી આપી હતી
તથા લાલ સુંઢિયાની ફેરોમેન ટ્રેપ પણ ખેડૂતોને આપવામાં આવી હતી.