ભુજ, તા. 12 : પાણી પુરવઠા બોર્ડ પાસે પોતાની માલિકાની કેટલી
જમીન છે તે અંગે કોઇ પણ પ્રકારની જાણકારી નથી. ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીના માર્ગે
મોટાપાયે દબાણો થઇ ચૂક્યાં હોવા છતાં તેને હટાવવાં તરફ કોઇ ધ્યાન કેન્દ્રિત કરાયું
નથી. આ મદ્દે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી. કે. હુંબલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
પાઠવી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનુંય આ બાબતે ધ્યાન દોરાયું છે. આવેદનપત્રમાં
જણાવ્યાનુસાર 1966માં પાણી પુરવઠા બોર્ડે જમીન સંપાદન કરી રેવેન્યૂ રેકર્ડમાં નોંધ
પાડી દીધા છતાં હાલના સમયે પા.પુ. બોર્ડના રેકર્ડમાં આ જમીનની કોઇ નોંધ બોલતી નથી.
પાણીની લાઇન તેમજ રોડ માટે ટપ્પર, ભીમાસર, અજાપર, વરસામેડીમાં જમીન સંપાદન કરાયા બાદ
પાણી પુરવઠા બોર્ડની બેદરકારીનાં કારણે આ જમીનો પર મોટાપાયે દબાણ થઇ ચૂક્યાં છે. સુખપર
પાણી યોજના મંજૂર થઇ ગઇ હોવા છતાં સ્થાનિક ખેડૂતો લાઇન નાખવા ન દેતાં કામ અટકયું છે.
ટપ્પટર ડેમથી ગાંધીધામ સુધીની પાણીની લાઇનમાં ગેરકાયદે જોડાણ લેવાયા હોવા છતાં તેની
પણ કાર્યવાહી કરવાની તંત્રને ફુરસદ નથી. આવેદનપત્ર આપવા સમયે રામદેવસિંહ જાડેજા, કિશોરદાન
ગઢવી, ગનીભાઇ કુંભાર, હાસમ સમા, અંજલિ ગોર, ધીરજ ગરવા જોડાયા હતા.