નવી દિલ્હી, તા. 23 : મિનરલ વોટરની
વાત નીકળતાં જ જેનું નામ તરત મોઢાં પર આવી જાય તેવી દિગ્ગજ કંપની બિસલેરીના પાણીની
ગુણવત્તા સામે સવાલ ઊઠતાં વિવાદનો વંટોળ સર્જાયો
હતો. `ફસાઇ'એ પાણીના નમૂના ચકાસ્યા બાદ અશુદ્ધ હોવાનું તારણ આપી, કાનૂની કાર્યવાહીને મંજૂરી આપી દીધી હતી. બેવાર પરીક્ષણમાં ફેઇલ થયા બાદ થર્ડ
પાર્ટી ટેસ્ટમાં સેમ્પલ પાસ થઇ ગયાં હોવાના અહેવાલ મળ્યા હતા. બિસલેરીએ પોતાના બોટલ
બંધ પીવાનાં પાણીને શુદ્ધ, સુરક્ષિત લેખાવીને ફસાઇને તપાસમાં
સહયોગનો ભરોસો આપ્યો હતો. જો કે, તેમ છતાં આ વિવાદ બાદ એક્શનમાં
આવી ગયેલી સરકારે દેશભરમાં તમામ કંપનીઓને બોટલમાં વેચાતાં પાણીની તપાસ કરવાનો નિર્ણય
લીધો હતો. અગાઉ આ કંપનીઓનાં ઉત્પાદનો અસુરક્ષિત અથવા તો હલકી ગુણવત્તાનાં મળી આવ્યાં
હતાં. આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના
ગંભીર નિયમોનું ઉલ્લંઘન કરવાનાં કારણે અન્ય બે ખાદ્ય વ્યવસાયોનાં લાયસન્સ સસ્પેન્ડ
કરી નાખવામાં આવ્યાં છે. એફએસએસએઆઈએ બિસલેરી સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.
કારણ કે, તેનાં પેકેજ્ડ પીવાનાં પાણીનાં એક સેમ્પલ બ્રોમેટની
માત્રા નિર્ધારિત મર્યાદાથી વધુ જોવા મળી હતી. રેફરલ ફૂડ લેબોરેટરીએ પણ આમાં પોલીસાઈક્લિક
એરોમેટિક હાઈડ્રોકાર્બન મળી આવ્યા બાદ તેને અસુરક્ષિત ઠરાવી દીધું હતું. આ બારામાં
બિસલેરી તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આવી જ રીતે ટિટ-બિટ ફૂડ્સ
(ઈન્ડિયા) પ્રા.લિ. સામે પણ કેસ ચલાવવામાં આવી રહ્યો છે. કારણ કે, તેનાં મરચાંનાં પાઉડરમાં જંતુનાશકના અવશેષ અને હળદર પાઉડરમાં ટિનનું પ્રમાણ
અધિક જોવા મળ્યું હતું. મીમાંસા ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. સામે પણ કાર્યવાહી કરવામાં આવી
છે. કેમ કે, તેનાં અખરોટ હલકી ગુણવત્તાનાં જોવા મળ્યાં હતાં.
આશા કન્ફેક્શનરીની ચોકલેટ, કુકીઝ પણ હલકી ગુણવત્તા અને અસુરક્ષિત
જોવા મળી હતી.