• બુધવાર, 25 નવેમ્બર, 2026

યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે બેઠકની ખેંચતાણ

નવી દિલ્હી, તા. 24 : ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને પડકારવા સપા અને કોંગ્રેસ વચ્ચેના જોડાણ પર મહોર લાગ્યા બાદ બેઠકોની વહેંચણીનું જટિલ ગણિત બીજા તબક્કાની બેઠક બાદ પણ હજુ ઉકેલાયું નથી. સપાએ કોંગ્રેસને 26 બેઠકનો પ્રસ્તાવ આપ્યો છે, જ્યારે કોંગ્રેસ માંગ 130 બેઠક સુધી ઘટાડી હતી. જો કે, બે દિવસમાં સમજૂથી થઈ જશે તેવું બંને પક્ષે જણાવાયું હતું. સોમવારની પ્રથમ ઔપચારિક બેઠક માત્ર 15 મિનિટમાં જ પૂર્ણ થયા બાદ મંગળવારે કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને બંને પક્ષોના નેતાઓ વચ્ચે અંદાજે સવા ત્રણ કલાક સુધી બીજા તબક્કાની બેઠક યોજાઈ હતી. આ અગાઉ સપાના મહાસચિવ રામગોપાલ યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, મેં કોંગ્રેસ માટે 26 બેઠક નક્કી કરી છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાયે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું હતું. જો કે, આમાં ગાંધી પરિવારનાં ગઢ ગણાતા રાયબરેલીની એકપણ બેઠક સામેલ નથી અને અમેઠી જિલ્લાની પણ એક જ બેઠક સામેલ છે. કોંગ્રેસે 181 બેઠકની પોતાની માંગ 130 બેઠક સુધી ઘટાડી હતી, પરંતુ 60 મજબૂત બેઠક પર પોતાનો દાવો યથાવત્ રાખ્યો હતો. જો કે, કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે સપા દ્વારા મુકાયેલા પ્રસ્તાવ સામે વાંધો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અમે કોઈની પાસે ભીખ નથી માગી રહ્યા. જોડાણના સંદર્ભમાં આ યોગ્ય નથી. કોંગ્રેસ 2022ની સ્થિતિએ આજે મજબૂત છે. દરમિયાન, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઈન્ડિયા જૂથ હેઠળ 26 બેઠક સાથે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જ્યાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે; પરસ્પર સહયોગ અને સમજદારીભરી વાતચીત દ્વારા આ બાબત આગળ વધશે.  બીજા તબક્કાની બેઠક બાદ કોંગ્રેસ અને સપાના નેતાઓનો અભિગમ સકારાત્મક જણાયો હતો. રામગોપાલ અને રાજેન્દ્ર પાલ ગૌતમે જણાવ્યું હતું કે, આગામી બે દિવસમાં જોડાણને આખરી ઓપ આપી દેવાશે. આ બેઠકમાં સપા તરફથી રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવ, પ્રદેશ અધ્યક્ષ શ્યામલાલ પાલ, સાંસદ રાજીવ રાય અને ઇકરા ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં. નોંધનીય છે કે, રામગોપાલ યાદવે બેઠક વહેચણી વિશે કહ્યું હતું કે, કેટલીક બેઠકો ઉપર સપાએ જીત મેળવી હતી અને કેટલીકમાં બીજા સ્થાને આવી હતી. આ ઉપરાંત 20 એવી બેઠકોનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે જ્યાં સપાને 60થી 70 હજાર જેટલા મતો મળ્યા હતાં. જેની સામે કોંગ્રેસને માત્ર 2 હજાર જેટલા મત મળેલા. તેમણે આગળ કહ્યું હતું કે, કોંગ્રેસને તેનાં પ્રદર્શનનાં આધારે બેઠકો આપવામાં આવશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd