• બુધવાર, 25 નવેમ્બર, 2026

ગુલાબી ઠંડીએ રણોત્સવમાં રંગત જામી

ભુજ, તા. 24 : કચ્છમાં ધીમેધીમે ગુલાબી ઠંડી જામી રહી છે ત્યારે ધોરડોમાં ચાલતા રણોત્સવને માણવા દેશ-વિદેશના પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, તેમાંયે ધોરડોના નમકાચ્છાદિત રણે સફેદ ચાદર ઓઢતાં પર્યટકોમાં આનંદોત્સવ છવાયેલો જોવા મળી રહ્યો છે. કચ્છમાં નવેમ્બરથી યોજાતાં રણોત્સવ દરમ્યાન હજારો પ્રવાસીઓ ધોરડોના સફેદ રણ, કાળો ડુંગર, રોડ ટુ હેવન જેવાં સ્થળોએ આવી રહ્યાં છે, તેમાંયે સરહદી જિલ્લામાં ગુલાબી ઠંડીનાં પગરણે ધીમેધીમે રણોત્સવની રંગત જામી રહી છે. આ વર્ષે કચ્છમાં ઓછા વરસાદનાં કારણે રણમાં પાણીનું પ્રમાણ નહિવત રહેતાં સમય કરતાં પહેલાં રણે સફેદ ચાદર ઓઢી લીધી છે, જે પ્રવાસીઓને આકર્ષી રહી છે. વળી ધોરડો આવતા પર્યટકો અહીંથી કાળો ડુંગર અને રોડ ટુ હેવન અચૂક જાય છે, તેથી આ વિસ્તાર પ્રવાસીઓથી ધમધમી રહ્યો છે અને કચ્છી કારીગરો સહિત અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. - બેફામ દોડતાં ભારે વાહનો પર લગામ જરૂરી : બીજી તરફ આ માર્ગે તાજેતરમાં સર્જાયેલા જીવલેણ ગંભીર અકસ્માતમાં એકસાથે સાત જિંદગીનો ભોગ લેવાય છે ત્યારે પ્રવાસીઓ માટે સાવચેતીભર્યાં પગલાં લેવાં જરૂરી હોવાનો સૂર જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના ભાગે નાનાં-મોટાં વાહનોમાં આંખો આંજી નાખતી લાઈટોનાં કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તેમાંયે મીઠાનું વહન કરતાં તોતિંગ ટ્રેઈલરોમાં નિયમો કરતાં વધુ અને તેજ હેડલાઈટો મુદ્દે પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર સકંજો કસી કાયદાકીય કાર્યવાહી કરે તે જરૂરી છે, જેથી નાના વાહનચાલકો અકસ્માતોનો ભોગ બનતા અટકે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd