• બુધવાર, 25 નવેમ્બર, 2026

ગુરુજીના પદચિહ્નો પર ચાલીને સમાજમાં પરસ્પર પ્રેમ, શાંતિ, ભાઈચારો અને પ્રામાણિકતા સાથે જીવન જીવવાની શીખ

ભુજ, તા. 24 : શીખ ધર્મના પ્રથમ ગુરુ અને માનવતાના મહાન પથદર્શક  ગુરુનાનકદેવજીની 557મી જન્મજયંતી (ગુરુપુરબ) નિમિત્તે મંગળવારે લાલટેકરી ગુરુદ્વારા સાહિબ ખાતે શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ભાવિકોએ ગુરુજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુરુનાનકદેવજીના અમર ઉપદેશો અને તેમનાં જીવનમૂલ્યોને યાદ કરાયાં હતાં. ગુરુજીનો મૂળ સંદેશ `ન કોઈ હિન્દુ, ન કોઈ મુસલમાન, સૌ એક જ પરમાત્માના સંતાન છે' જે આજના સમયમાં પણ સમગ્ર વિશ્વ માટે અત્યંત પ્રાસંગિક છે. વક્તાઓ અને કીર્તનકારોએ ગુરુજીના પદચિહ્નો પર ચાલીને સમાજમાં પરસ્પર પ્રેમ, શાંતિ, ભાઈચારો અને પ્રામાણિકતા સાથે જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આ ધાર્મિક મહોત્સવમાં આશરે 1200થી 1400 જેટલા શ્રદ્ધાળુઓની વિશાળ સંગત ઊમટી પડી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જ્યાં ઉપસ્થિત સૌએ શબદ-કીર્તનનો લહાવો લીધો હતો. ત્યારબાદ ગુરુનાનકદેવજી દ્વારા સ્થાપિત સમાનતાની પરંપરા મુજબ, નાત-જાત કે ઊંચ-નીચના ભેદભાવ વિના સૌએ એક જ પંગતમાં બેસીને `ગુરુ કા લંગર' (પ્રસાદ) ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા આ આયોજનને સફળ બનાવવા બદલ તમામ સેવકો અને ઉપસ્થિત સંગતનો આભાર માનવામાં આવ્યો હોવાનું લાલટેકરી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ લવિન્દર કૌર, ઉપપ્રમુખ સરદાર જાગીરાસિંહ, મહામંત્રી (જનરલ સેક્રેટરી) ગુરબિન્દરસિંહ સંધાએ જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd