અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : ભારત-પાકિસ્તાન
આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગુજરાતના 20 સરહદી ગામમાં સુરક્ષા વ્યવસ્થાની જમીની સ્તરે સમીક્ષા કરવા માટે
ગુજરાત પોલીસના 10 વરિષ્ઠ આઈપીએસ
અધિકારી આગામી 26મી અને 27મી નવેમ્બર, 2026ના બે દિવસની વિશેષ મુલાકાતે
જશે. કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના
આ સરહદી ગામોમાં અધિકારીઓ સ્થાનિક રહીશોનાં ઘરોમાં રાત્રિરોકાણ કરી પ્રજાજનો તથા ફરજ
બજાવતા પોલીસ જવાનોની સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે સાંભળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી
અમિતભાઈ શાહના ચતુષ્કોણીય સિક્યુરિટી ગ્રીડના સ્પષ્ટ વિઝન અને તાજેતરમાં અમદાવાદ ખાતે
યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકોમાં સરહદી સુરક્ષાને અભેદ બનાવવા અંગે અપાયેલા દિશા-નિર્દેશોને
અનુરૂપ આ પહેલ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન અને નાયબ
મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર ફિલ્ડ એક્સરસાઇઝનું આયોજન કરવામાં
આવ્યું છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન અધિકારીઓ સુરક્ષા માળખાં, સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને બોર્ડર પેટ્રાલિંગનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત
દુર્ગમ વિસ્તારોમાં તૈનાત પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરી રાત્રિ સમીક્ષા
બેઠકો યોજશે, જેનાં તારણો આગામી સમયમાં સરહદી વિસ્તારના વિકાસ
અને સુરક્ષા આયોજનમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ વિશેષ અભિયાન અંતર્ગત રાજ્યના 10 વરિષ્ઠ પોલીસ અધિકારીને અલગ-અલગ
સરહદી ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લાના કલ્યાણપર
અને બાંભણકા ગામે વડોદરા રેન્જ IGP સંદીપ સિંઘ
તો પશ્ચિમ કચ્છ (ભુજ) જિલ્લામાં અમદાવાદ શહેર ક્રાઈમના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ
સુમરાપોર અને મોટા પૈયા ખાતે રાત્રિરોકાણ કરશે. વાવ-થરાદ જિલ્લાના કારેલી અને બારડવી
ગામે પંચમહાલ-ગોધરા રેન્જના DIGP વિધિ ચૌધરી રહેશે.